વર્લ્ડ કપ મેજર અપસેટઃ વર્લ્ડ ચેમ્પિયન જર્મની આઉટ, આર્જેન્ટિના નોકઆઉટમાં

મોસ્કોઃ રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં મંગળવારે મેજર અપસેટ સર્જાયો હતો અને 80 વર્ષ પછી પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન જર્મની વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. જર્મની આખરી ગ્રુપ મેચમાં સાઉથ કોરિયા સામે 2-0થી હારી જતાં વર્લ્ડ કપમાંથી આઉટ થયું હતું. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં જર્મની સન 1938 પછી સૌપ્રથમ વખત પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર ફેંકાયું હતું. સાઉથ કોરિયાએ ઇન્જરી ટાઇમમાં અંતિમ સાત મિનિટમાં બે ગોલ કર્યા હતા. યોકીમ લોના માર્ગદર્શન હેઠળ જર્મનીની સુપરસ્ટાર ટીમના વેર્નર, મુલર, રેઅસ, ક્રુઝ, ખેડારી કમાલ કરી શક્યા નહોતા. બીજી બાજુ સ્વીડને જબરજસ્ત દેખાવ કરતાં મેક્સિકોને 3-0થી હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલિફાય કર્યું હતું.
દરમિયાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જવાના આરે પહોંચેલી આર્જેન્ટિનાની ટીમે નાઇજીરિયા સામેની આખરી ગ્રુપ મેચમાં 2-1થી નાટ્યાત્મક વિજય સાથે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટિનાના મેજિકમેન લાયોનેલ મેસીએ ક્લાસિક ગોલ ફટકારી ટીમને લીડ અપાવી હતી.
હાફ ટાઇમ પછી નાઇજીરિયાના વિક્ટર મોસેસે પેનલ્ટીને ગોલમાં ફેરવતાં 1-1 સ્કોર સાથે આર્જેન્ટિનાની મુશ્કેલી વધી હતી. જોકે મેચમાં ચાર મિનિટ બાકી હતી ત્યારે માર્કોસ રોજોની સુપર્બ કિક પર ગોલ કર્યો હતો. ચાહકોથી ચિક્કાર સ્ટેડિયમમાં આર્જેન્ટિનાનો લિજેન્ડરી સ્ટાર ડિયોગો મારાડોના પણ હાજર હતો.