વર્લ્ડ કપ ફૂટબોલઃ મેક્સિકોએ ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીને હરાવી મેજર અપસેટ સર્જ્યો


ફિફા વર્લ્ડ કપની બી ગ્રુપની મેચમાં બુધવારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગોલ કરી પોર્ટુગલને મોરોક્કો સામે 1-0થી વિજય અપાવ્યો હતો. (ફોટોસૌજન્યઃ રોઇટર્સ) (જમણે) મેક્સિકો સામે હાર થયા પછી જર્મનીના ખેલાડીઓ નિરાશ થઈ ગયા હતા. (ફોટોસૌજન્યઃ ધ સન ડેઇલી)

મોસ્કોઃ રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં મેક્સિકોએ ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીને 1-0થી હરાવી મેજર અપસેટ સર્જ્યો હતો. જર્મનીના સુપરસ્ટાર ખેલાડીઓ એક પણ ગોલ કરી શક્યા નહોતા. મેક્સિકોના સુપરહીરો તરીકે હાર્વિગ લોઝાનોએ મેચનો એકમાત્ર ગોલ ફટકારી સનસનાટી મચાવી હતી. લોઝાનોનો એકમાત્ર ગોલ મેક્સિકો માટે નિર્ણાયક બન્યો હતો. જર્મનીના ટોની ક્રુસ અને જુલાઇન બ્રાન્ડેટે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. 2014ના વર્લ્ડ કપમાં પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ સ્પેન તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે હારી ગઈ હતી અને તેનું અહીં પુનરાવર્તન થયું હતું. 1998માં ચેમ્પિયન મેક્સિકોના જિયોલોજિકલ ડિપાર્ટમેન્ટે એ વાતને સમર્થન આપ્યું હતું કે મેક્સિકોમાં વિજયની ઉજવણીથી ભૂકંપનો આંચકો આવ્યો હતો. મેક્સિકન ટીમે 35 મિનિટ સાત સેકન્ડે ગોલ કર્યો ત્યારે અમારી મોનિટરિંગ સિસ્ટમમાં ભૂસ્તરીય હિલચાલ જોવા મળી હતી.
દરમિયાન વર્લ્ડ કપમાં આર્જેન્ટિના સામે આઇસલેન્ડે 1-1થી મેચ ડ્રો કરી હતી. દુનિયાનો ટોચનો ફૂટબોલર લાયોનેલ મેસી આઇસલેન્ડ જેવા પહેલી વાર મેગા ઇવેન્ટમાં રમતા દેશ સામે પેનલ્ટી કિકને ગોલમાં ન ફેરવી શકતાં હજારો ચાહકોએ આઘાત અનુભવ્યો હતો. મેસીએ કહ્યું કે પેનલ્ટી પર ગોલ ફટકારી ન શકવાનો હજી અફસોસ છે.
પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડ ગોલના સહારે પોર્ટુગલે મોરક્કો સામે 1-0થી વિજય મેળવ્યો હતો. રોનાલ્ડોએ ચોથી મિનિટે જ ગોલ કર્યો હતો. રોનાલ્ડોએ 85મા ગોલ સાથે ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ ફટકારનાર યુરોપિયન ખેલાડી તરીકેનો રેકોર્ડ કર્યો હતો.