વર્લ્ડ ઓર્ગન ડે નિમિત્તે ‘ડોનેટ લાઇફ’ દ્વારા અંગદાન જાગૃતિ સેમિનાર યોજાયો

ડોનેટ લાઇફ દ્વારા ચાંગામાં ચારુસેટ યુનિવર્સિટીમાં આયોજિત સેમિનારનો દીપપ્રાગટ્ય કરી શુભારંભ કરતા ડોનેટ લાઇફના સ્થાપક પ્રમુખ નીલેશ માંડલેવાલાની સાથે ચમોસ માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ, મંત્રી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, ડોનેટ લાઇફ આણંદના પ્રણેતા પ્રકાશભાઈ પટેલ, બી. જી. પટેલ સહિત અગ્રણીઓ. (જમણે) વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે આણંદમાં ડોનેટ લાઇફ દ્વારા વોકેથોન-2018 વોક ફોર ઓર્ગન ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકેથોનમાં ચરોતર ગેસ સહકારી મંડળી, કમ્ફી ફર્નિચર સહિત આણંદ અને વિદ્યાનગરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (ફોટોઃ અશ્વિન પટેલ, આણંદ)

આણંદ/ચાંગાઃ ડોનેટ લાઇફ આણંદ ચેપ્ટર દ્વારા વર્લ્ડ ઓર્ગન ડે અંતર્ગત અંગદાનની જરૂરિયાત અને મહત્ત્વ સમજાવવા માટે સેમિનારનું ચારુસેટ યુનિવર્સિટીમાં આયોજન થયું હતું. આ સેમિનારના વક્તા ડોનેટ લાઇફના સ્થાપક પ્રમુખ નીલેશ માંડલેવાલાએ વિસ્તારપૂર્વક અંગદાનની જરૂરિયાત અને મહત્ત્વ સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું કે બ્રેન ડેડ વ્યક્તિનાં અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપી શકાય છે, અંગદાન એ જીવનદાન છે. ભારતમાં દર વર્ષે અંદાજિત પાંચ લાખ ઉપરાંત વ્યક્તિઓના નિષ્ફળ થઈ ગયેલાં અંગ ન મળવાના કારણે મૃત્યુ થાય છે. ત્યારે અંગની નિષ્ફળતાના દર્દીઓના જીવનમાં આશાનો નવો સંચાર કરવા માટે અંગદાન-જીવનદાનની જરૂરિયાત અને મહત્ત્વ સમજાવવા માટે ડોનેટ લાઇફ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ચારુસેટમાં વિદ્યાર્થીઓને સમજ આપવા સાથે નીલેશ માંડલેવાલાએ સંકલ્પ કરાવ્યો હતો. નીલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે અંગદાનથી માત્ર વ્યકિત જ નહિ, સમગ્ર પરિવાર અને સમાજને નવજીવન મળે છે. ડોનેટ લાઇફ આણંદ ચેપ્ટરના પ્રકાશ પટેલ જણાવ્યું હતું કે, વર્લ્ડ ઓર્ગન ડે અંતર્ગત લોકોમાં અંગદાન-જીવનદાન માટે જાગૃતતા કેળવવા માટે ડોનેટ લાઇફ દ્વારા વહીવટી તંત્ર, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના સહયોગથી સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર આણંદ જિલ્લામાં સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. આ સેમિનારમાં પ્રમુખસ્થાને માતૃસંસ્થા અને ઘ્ણ્ય્જ્ના પ્રમુખ નગીનભાઈ પટેલ તથા અતિથિવિશેષ તરીકે કેળવણી મંડળના મંત્રી ડો. એમ. સી. પટેલ, ચારુસેટના સલાહકાર ડો. બી. જી. પટેલ, ડોનેટ લાઇફ આણંદ ચેપ્ટર પ્રમુખ પ્રકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નવસારીના ગોવિંદ મારું લિખિત ઈ-પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક દ્વારા લેખકે જીવન કીમતી છે તેને ગુમાવશો નહિ તેવા સંદેશ સાથે અંગદાન સાથે જોડાયેલ પરિવારના ભાવોને વાચા આપી છે. ઼
નગીનભાઈ પટેલે અધ્યક્ષીય પ્રવચન કરતા વિદ્યાર્થીઓને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ભેદ સમજાવ્યા હતા અને પ્રગતિશીલ જીવન માટે વિજ્ઞાન પ્રથમનો સંદેશ આપ્યો હતો. તેમણે આ તબક્કે ડોનેટ લાઇફની ઉમદા ભૂમિકાને બિરદાવી હતી. સૌને સર્વ પ્રકારે સહિયારી સ્વાસ્થ્ય યાત્રામાં તન-મન-ધનથી જોડવા આહ્વાન કર્યું હતું. અશોક એન્ડ રીટા પટેલના પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિએ કિરણભાઈ પટેલ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.