વર્લ્ડકપ-2023ઃ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યું

અમદાવાદ: તમામ મોરચે ચડિયાતા દેખાવ સાથે લાગલગાટ દસ મેચ જીતી ચૂકેલી ટીમ ઈન્ડિયા વર્લ્ડકપના ફાઈનલ જંગમાં જ ફસકી ગઈ હતી અને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.30 લાખ દર્શકો અને અગ્રણીઓની હાજરીમાં પ્રોફેશનલ પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બનતાં કરોડો દેશવાસીઓનાં દિલ તૂટી ગયાં હતાં. કાંગારુઓની ચુસ્ત બોલિંગ અને ફીલ્ડિંગ સામે રોહિતસેના 240 રનનો સામાન્ય સ્કોર જ કરી શક્યા બાદ ઓસિએ ટ્રેવિસ હેડની લાજવાબ સદીના સહારે 43 ઓવરમાં જ ચાર વિકેટે લક્ષ્ય આંબ્યું હતું અને આજે છઠના દિવસે છઠ્ઠીવાર વિશ્વકપ કબજે કર્યો હતો, જ્યારે ભારતનું ત્રીજીવાર વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન રોળાયું હતું. આખી સ્પર્ધામાં શાનદાર દેખાવ કરનાર ભારત અંતિમ જંગમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉદ્યોગપતિઓ, બોલીવૂડના અનેક સિતારાઓની હાજરીમાં અસલ રંગ બતાવી શક્યું નહોતું.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ અગાઉ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ ભારતને હાર આપી હતી અને હવે વન-ડે વર્લ્ડકપમાં પણ શિકસ્ત આપી છે અને ફરી એકવાર પુરવાર કર્યું હતું કે, મોટા અને ફાઈનલ મુકાબલાઓમાં તેનો જવાબ નથી. જો કે, એકંદરે વિશ્વકપમાં ભારતીયોનું પ્રદર્શન મજબૂત રહ્યું હતું. સૌથી વધુ 76પ રન વિરાટ કોહલીનાં નામે રહ્યા હતા, તો સૌથી વધુ 24 વિકેટ મોહમ્મદ શમીનાં નામે રહી હતી. ભારતીય ટીમની હારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકો રીતસરના રડી પડ્યાં હતા, તો ભારતીય ખેલાડીઓ ભાંગી પડ્યાં હતા. ફાઇનલ બાદ આકર્ષક આતિશબાજી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી રિચાર્ડ માર્લ્સના હસ્તે વિજેતા કપ્તાન પેટ કમિન્સને ટ્રોફી અપાઇ હતી, તો વિક્રમોની વણઝાર રચનાર વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.
ટીમ ઇન્ડિયા ફાઇનલમાં તમામ મોરચે ઉણી ઊતરી હતી અને પ0 ઓવરમાં 240 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાને ચમકતી આઇસીસી વર્લ્ડકપ ટ્રોફી સાથે 33.29 કરોડનું ઇનામ મળ્યું હતું. જ્યારે ટીમ ઇન્ડિયાના ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાના ઓરતા અધૂરા રહ્યા હતા અને રનર્સઅપ ટ્રોફીથી સંતોષ માનવો પડયો હતો. ભારતને 16.64 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.
2011ના વિશ્વકપથી હોમ ટીમનો ચેમ્પિયન બનવાનો ક્રમ આ વખતે તૂટયો હતો. 2011માં ભારત ઘરઆંગણે ચેમ્પિયન થયું હતું, તો 201પમાં ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે પાંચમી વખત ટ્રોફી કબજે કરી હતી. 2019માં ઇંગ્લેન્ડની ટીમ સરજમીં પર વિશ્વ વિજેતા બની હતી, પણ આ વખતે 2023ના વિશ્વકપમાં ભારતીય ટીમ આ કમાલ કરી શકી નથી. રોહિત શર્માની ટીમ મહેન્દ્રસિંહ ધોનીની ટીમ જેવો ચમત્કાર કરી શકી નથી.
આ ઉપરાંત 2003ના વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો હિસાબ ચૂકતે કરી શકી નથી. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારથી પૂરા ભારત દેશમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ભારતની જીતની ઉજવણીની તૈયારી માટેની મીઠાઇ વહેંચણીના કાર્યક્રમો અને આતશબાજી ઠપ થઇ ગયા હતા. જો કે, દેશવાસીઓએ વિશ્વકપના ટીમ ઇન્ડિયાના અત્યાર સુધીના શાનદાર દેખાવની ખેલદિલીથી પ્રશંસા કરી હતી.
ફાઇનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની દેશ-વિદેશની હસ્તી હાજર રહી હતી. ઓસ્ટ્રેલિયાના વિજય માટે પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન આપ્યાં હતાં. 241 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ એક તબક્કે 47 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટ્રેવિસ હેડ અને માનર્સ લાબુશેન વચ્ચે ચોથી વિકેટમાં 21પ દડામાં 198 રનની વિજયી ભાગીદારી થઇ હતી. હેડે 120 દડામાં 1પ ચોગ્ગા- 4 છગ્ગાથી 137 રનની ઇનિંગ રમી ભારતના હાથમાંથી ફાઇનલ છીનવી લીધી હતી. (ગુજરાત ટાઈમ્સ સંકલન)