વરિષ્ઠ પત્રકાર-તંત્રી અને સામાજિક નિસબતી ઠાકોરભાઈ પટેલને શ્રદ્ધાંજલિ

 

અમદાવાદઃ છઠ્ઠી ડિસેમ્બર, ૨૦૨૦, રવિવારની રાત્રે નવ કલાકે વરિષ્ઠ પત્રકાર-તંત્રી અને વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓના ઉત્કર્ષ માટે યુનિયન પ્રવૃત્તિ કરનારા સમાજસેવક ઠાકોરભાઈ પટેલની ઝૂમ એપ્લિકેશન ઉપર યોજાયેલી વર્ચ્યુઅલ શ્રદ્ધાંજલિ સભામાં દેશ-વિદેશમાંથી પત્રકારો-તંત્રીઓ, સ્વજનો અને ચાહકો જોડાયા હતા. 

શ્રદ્ધાંજલિ સભામાં લોકોએ વ્યક્ત કરેલા વિચારો અને તેમની સાથેનાં સ્મરણોમાંથી એક જ સૂર નીકળતો હતો કે ઠાકોરભાઈ પટેલ નીડર, લોકનિષ્ઠ અને પરિશ્રમી પત્રકાર તથા તંત્રી હતા. તેમણે પત્રકારત્વમાં માતબર પ્રદાન કરવાની સાથે વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓનું કલ્યાણ થાય તે માટે સફળ યુનિયન પ્રવૃત્તિ પણ કરી હતી. અનેક લોકોએ જણાવ્યું હતું કે અમારા ઘડતરમાં તથા અમારા જીવનમાં મુશ્કેલીના સમયે ઠાકોરભાઈએ જો સહયોગ કરીને હૂંફ ન આપી હોત તો અમે આ સ્થિતિમાં ન હોત. 

ગુજરાત સમાચારના તંત્રી શ્રેયાંસભાઈ શાહે જણાવ્યું હતું કે તેમના પત્રકારત્વમાં સચ્ચાઈનો રણકો હતો. ઠાકોરભાઈને મારી અને ગુજરાત સમાચાર માટે જે નીકટતા હતી તેનાં અનેક સ્મરણો મને યાદ છે. ઠાકોરભાઈને હું એક જુદી જ વ્યક્તિ તરીકે જોઉં છું.  

ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને કહ્યું હતું કે તેમનું જાહેરજીવનમાં પણ મોટું પ્રદાન હતું. તેમણે ઠાકોરભાઈ સાથેનાં સ્મરણો વાગોળતાં કહ્યું હતું મારો તેમના સમગ્ર પરિવાર સાથે ખૂબ જ નીકટનો નાતો હતો.

કૃષ્ણકાંત વખારિયાએ જણાવ્યું હતુું કે વિશ્વ ગુજરાતી સમાજમાં પણ તેમણે ઉત્તમ કામ કર્યું હતું. તેમની કર્તવ્ય ભાવનાને આપણે વિશેષ સ્વરુપે યાદ કરવી જોઈએ. તેઓ નીડર પત્રકાર અને કર્મશીલ હતા. તેમના જવાથી મેં અંગત રીતે મિત્ર ગુમાવ્યો છે. 

ભારત સરકારના માહિતી કમિશનર અને ઈન્ડિયા ટૂડે જૂથના તંત્રી ઉદય માહુરકરે જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ મહેનતુ અને નીડર પત્રકાર હતા. ખૂબ અભ્યાસ કરતા. બીજાની ખૂબ કાળજી રાખતા. 

જય હિંદના તંત્રી યશવંત શાહે જણાવ્યું હતું કે, તેઓ સત્યના ચાહક હતા અને કોઈ પણ સંજોગોમાં સત્યને વળગી રહેતા હતા. તેઓ સાચી લાગણીથી બોલતા અને જીવતા. તેમનામાં પત્રકાર તરીકને જબરજસ્ત ખૂમારી હતી. 

શ્રદ્ધાંજલિનો પ્રારંભ કરતા જાણીતા પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેઓ પત્રકારો માટે એક યુનિવર્સિટી જેવા હતા. તેમણે અનેક ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું છે. ખરેખર તેઓ એક ઘટના હતા. ઠાકોરભાઈ પટેલના પોતે લખેલા પુસ્તક માય ફ્રેન્ડ ઠાકોરભાઈનો ઉલ્લેખ કરીને તેમણે ઠાકોરભાઈના જીવનની ઘણી રસપ્રદ વાતો પણ વહેંચી હતી. 

જાણીતા તંત્રી અજય ઉમટે જણાવ્યું હતું કે, તેઓ નખશીખ સજ્જન વ્યક્તિ હતા. વૈશ્વિક સ્તરે તેઓ સતત અભ્યાસ કરતા અને પોતાનો અભિપ્રાય નીડરતાથી આપતા.

જાણીતા હાસ્ય લેખક અશોક દવેએ જણાવ્યું હતું કે, તેમની પાસેથી અનેક પત્રકારો પત્રકારત્વ શીખ્યા હતા. કેનેડાથી જોડાયેલા મુસ્તુફા અજમેરીએ જણાવ્યું હતું કે, મને તેમણે ખૂબ જ સહયોગ કર્યો હતો.

ધીમંત પુરોહિતે જણાવ્યું હતું કે, આપણે બધા એ તેમની સ્મૃતિ વંદના કરવી જોઈએ. ખરેખર તેઓ બાહોશ અને નીડર પત્રકાર હતા. ધીમંતભાઈએ અનેક ઉદાહરણો આપીને જણાવ્યું હતું કે, તેમણે પત્રકારત્વમાં કરેલા પ્રદાનમાંથી શીખ લઈને આપણે આગળ વધવું જોઈએ. મુખ્યમંત્રીઓ પ્રેસ કોન્ફરન્સોમાં ઠાકોરભાઈ પટેલ કોઈ પ્રશ્ન ન પૂછે તેવી આશા રાખતા એકલો તેમનો કડપ હતો.

તારક મહેતાકા ઊલ્ટા ચશ્માં ટીવી સિરિઅલના નિર્માતા આસિત મોદીએ જણાવ્યું હતું કે તેઓ મનથી યુવાન હતા અને સતત કામ કરતા રહેતા હતા. અમારે તેમની સાથે પારિવારિક સંબંધ છે.

પત્રકાર અને લેખક રમેશ તન્નાએ જણાવ્યું હતું કે, વ્યક્તિ, પત્રકાર-તંત્રી અને સમાજ સેવક ઠાકોરભાઈ એમ ત્રણેય ભૂમિકાએ તેમણે વિશિષ્ટ પ્રદાન કર્યું હતું. તેમને ‘ગુજરાત ટાઈમ્સ’ સાથેની ઠાકોરભાઈ પટેલની યાદો વહેંચી હતી. 

આ કાર્યક્રમમાં અમેરિકાથી ઠાકોરભાઈનાં ધર્મપત્ની સરલાબહેન તથા તેમની દીકરીઓ સોનલબહેન, રુપલબહેન અને તેજલબહેન પણ હાજર રહ્યાં હતાં. સરલાબહેને જણાવ્યું હતું કે, મારા ઠાકોરજી ખરેખર બેસ્ટ હસબન્ડ હતા. સારા માણસ હતા અને સતત સમાજ માટે કામ કરતા હતા. મને પણ તેઓ એ જ કહીને ગયા છે કે મારા ગયા પછી તારે સમાજનાં જેટલાં બાકી કામો હોય તેટલાં કરવાનાં છે. 

તેમની દીકરીઓએ પણ અત્યંત લાગણી અને પ્રેમથી પિતા સાથેનાં સ્મરણો વાગોડ્યા હતા. સોનલબહેને પોતાના પિતા વૈષ્ણવજન હતા તેમ કહી નરસિંહ મહેતા રચિત વૈષ્ણવ જન ભજનને બે-ત્રણ લાઈનો પણ સરસ રીતે ગાઈ હતી. આ કાર્યક્રમમાં ઠાકોરભાઈ પટેલના ઘણા સગાંઓ અને સ્વજનો પણ જોડાયા હતા. તેમની અમેરિકાથી જોડાયેલી દોહિત્રી નીતિએ પણ પોતાના નાના સાથેનાં પ્રેમ ભરેલાં સ્મરણો વાગોળ્યાં હતાં. 

તેમના નાનાભાઈ પ્રફુલભાઈએ ભાવવિભોર થઈને જણાવ્યું હતું કે, તેમની વિદાયથી અમે બધાએ અમારું છત્ર ગૂમાવી દીધું છે. તેમણે મોટાભાઈને શ્રદ્ધાંજલિ આપતાં ગાન કર્યું હતું. 

આ શ્રદ્ધાજલિ કાર્યક્રમમાં સર્વશ્રી મહેશભાઈ શુક્લ, બિપીનભાઈ પંડ્યા, નીમેષભાઈ પટેલ, આશિષભાઈ પુરાણી, બિનાબહેન પટેલ, મુકુંદભાઈ પટેલ તેમજ નિલેશાબહેન પટેલે પણ ભાવભીની શબ્દાંજલિ આપી હતી. 

આ કાર્યક્રમમાં અનેક લોકોએ ઠાકોરભાઈના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું પણ સ્મરણ કર્યું હતું.

વિઠ્ઠલભાઈના દીકરા અને ઠાકોરભાઈના ભત્રીજા હિતેશ પટેલ ઉર્ફે પોચીએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. તેમણે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ અમારા આખા પરિવારના મોભી હતા. અમારા બ્રુહદ પરિવારની કોઈ પણ વ્યક્તિ તેમની સમક્ષ પોતાની મૂંઝવણ રજૂ કરી શકતી. તેઓ ખૂબ જ ખુલ્લા મગજના અને ઉદાર હૃદયના હતા. 

સ્વજનોએ મિત્રો માટે મહેફિલો યોજવાની ઠાકોરભાઈની પરંપરાને પણ યાદ કરી હતી. લોકોએ કહ્યું હતું કે, તેમનું ઘર અઘોષિત પ્રેસ ક્લબ જેવું હતું. નિયમિત રીતે અહીં વરિષ્ઠ પત્રકારો અને તંત્રીઓ ભેગા થતા અને અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરતા. અનેક લોકોએ જણાવ્યું હતું કે અમારા જીવનમાં ઠાકોરભાઈ પટેલનું મોટું પ્રદાન છે. તેમણે અમને સહયોગ ન કર્યો હોત તો અમે અત્યારે જ્યાં છીએ ત્યાં ન હોત. તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

આ આખા કાર્યક્રમમાં ટેકનિકલ સહયોગ કૌશલ ચારુદત્ત વ્યાસે આપ્યો હતો. કાર્યક્રમના આયોજનમાં રમેશ તન્ના અને ધીમંત પુરોહિતે સહયોગ કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here