વરસાદમાં રામ પણ ખલેલ પામ્યા!

0
808

વડોદરાના વ્રજધામમાં સિનિયર સિટિઝન્સ સમક્ષ કૃષ્ણ પર પ્રવચન કરવાનું પ્રાપ્ત થયું હતું. એમાં એક વાત સહજભાવે કહેવાઈ ગઈ. જાહેર બાગના એક બાંકડા પર દાદા બેઠા છે અને એમની આંખોમાં સૂનકાર છે, વેકન્ટ લૂક છે અને એકલતાની પીડા છે. એ જ બાગમાં બીજા બાંકડા પર દાદીમા બેઠાં છે. તેઓ પણ ખાલીપાનો અભિશાપ વેઠી રહ્યાં છે. આપણે પુણ્ય કમાવા માટે હવે બ્રાહ્મણોને જમાડવાની જરૂર નથી કે મોટાં દાનધરમ કરવાની જરૂર નથી. બીજું કંઈ ન કરીએ અને અજાણ્યાં દાદા-દાદી એક જ બાંકડા પર બેસતાં થાય એવી સામાજિક અનુકૂળતા કરી આપીએ તોય ઘણું છે. સંશોધનો શું કહે છે તેની ખબર નથી. મેડિકલ સાયન્સ શું કહે છે તેની પણ ખબર નથી. ખબર છે એટલી કે લવ-થેરપી જેવી કોઈ થેરપી નથી. પ્રેમસંબંધને કારણે જીવન અર્થપૂર્ણ બને છે. પ્રેમસંબંધ હીલિંગ માટે ઉત્તમોત્તમ ઔષધ છે. પ્રેમશૂન્ય જીવન કદાચ રોગની આમંત્રણપત્રિકા છે. આવા નિર્મળ પ્રેમસંબંધમાં સેક્સનું હોવું કે ન હોવું ગૌણ બાબત ગણાય. દહેજ મધુવનવિરોધી ઘટના છે. મરજી વિના ગોઠવાયેલો લગ્નસંબંધ એ મધુવનવિરોધી ઘટના છે. શુષ્કતાથી ભરેલું ફરજિયાત વૈધવ્ય એ મધુવનવિરોધી ઘટના છે. સ્વીકૃત વૈધવ્ય પણ લાલિત્યપૂર્ણ હોવું જોઈએ. પ્રિયજનનું મૃત્યુ પણ બાકીના જીવનને સાવ ઉજ્જડ બનાવી દે તે ન પાલવે. આપણી પીડાહઠ આગળ કૃષ્ણ પણ લાચાર!
મૃત્યુ એ જીવનની સૌથી મોટી હાનિ નથી. મનુષ્યની ભીતર કશુંક જીવતેજીવત મરી જાય તે જ સૌથી મોટી હાનિ છે. એલેક્સી કેરલ કહે છેઃ
માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે તે સાચું,
પરંતુ જેને તમે જીવતો જુઓ છો
તે અંદરથી કેટલો મરી ગયો છે,
તેનું માપ કાઢ્યું છે ખરું?
જે માણસ વરસાદ પડતો હોય ત્યારે અંદરથી ખલેલ ન પામે તેનાથી ચેતીને ચાલવું રહ્યું. સમગ્ર સમાજ કેટલીયે બિનજરૂરી અને બોગસ ખલેલથી પીડાઈ રહેલો સમાજ છે. જે મનુષ્ય વર્ષાઋતુમાં ઊર્ધ્વમૂલ ખલેલ પામે તે સાધુ ગણાય. જે મનુષ્ય આવી આશિકાના ઋતુમાં પ્રેમાળ ખલેલ પામે તે શાયર કહેવાય. જે મનુષ્ય વરસાદ પડે ત્યારે કોઈને ન કહેવાય એવી સાવ ખાનગી ખલેલ પામે તેને રસિકજન કહેવાય. જેમને વરસાદ કોઈ પણ પ્રકારની ખલેલ ન પમાડે તેમને જો દેશનિકાલ કરવામાં આવે, તો જરૂર તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકે.
ખાનગી ખલેલ એટલે શું? તમે જેને પામવા માગતા હતા, પણ પામી ન શક્યા અને જીવનના કન્વેયર બેલ્ટ પર લગભગ એક નિર્જીવ વસ્તુની માફક વહેતા રહ્યા. એવી કોઈક વ્યક્તિના સ્મરણથી ભીની બનેલી આંખો સૌના નસીબમાં નથી હોતી. ભીની ધરતી, ભીનું હૃદય અને ભીની આંખો, એ જ જીવનનું પ્રચ્છન્ન પ્રયાગ! શહીદ થવા માટે મરવું જ પડે એવું કોણે કહ્યું? જીવતેજીવત પણ ભીની ભીની શહાદતનો સ્વાદ માણી શકાય છે.
વાલ્મીકિ રામાયણના કિષ્કિંધાકાંડમાં આખો ને આખો 28મો સર્ગ વર્ષાઋતુના વર્ણનથી ભીનો બન્યો છે. વર્ષાઋતુનું વર્ણન સીતાના વિયોગે ઝૂરતા મર્યાદાપુરુષોત્તમ રામ પોતે કરી રહ્યા છે. વાલિનો વધ અને સુગ્રીવનો રાજ્યાભિષેક થઈ ચૂક્યો છે. રામ અને લક્ષ્મણ માલ્યવાન પર્વત પર નિવાસ કરી રહ્યા છે. કુલ 66 શ્લોકોમાં રામ લક્ષ્મણને વર્ષાઋતુ વિશે કશુંક કહેતા રહે છે. ટૂંકમાં સાર સાંભળોઃ
હે સુમિત્રાનંદન!
નીલા રંગનો આશ્રય લઈને
ચમકી રહેલી આ વીજળી
મને રાવણના મહેલમાં તરફડતી
સીતા જેવી દેખાય છે.
મંદ મંદ હવા નિસાસા જેવી જણાય છે.
વાદળોની ગર્જના થાય ત્યારે
જાણે મૃદંગનો ધ્વનિ ઊઠતો સંભળાય છે.
મૈથુન વખતે અંગોના મર્દનને કારણે તૂટેલી
દેવાંગનાઓની મોતીમાળાઓ
જેવી જણાતી અનુપમ જલધારાઓ
બધી દિશાઓમાં (ધોધરૂપે) પડી રહી છે.
હે લક્ષ્મણ! મારો શોક વધી ગયો છે.
મારા માટે દિવસો પસાર કરવાનું
મુશ્કેલ બની ગયું છે.
ખૂબ જ જોરથી વરસાદ પડી રહ્યો છે.
(વર્ષાપ્રવેગા વિપુલાઃ પતન્તિ).
રામ જેવા રામ ધોધમાર વરસાદથી ખલેલ પામ્યા, પરંતુ આપણે કોરા ને કોરા! સીતા તે ક્ષણે રામની સાથે હોત, તોય રામ જરૂર ખલેલ પામ્યા હોત. એ ખલેલ વિયોગમૂલક ન હોત. શૃંગારમૂલક હોત! અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે મનમાં એક વિચિત્ર પ્રાર્થના ઊગી રહી છેઃ ‘હે ભગવાન! હું છું તેના કરતાં સારો દેખાઉં તેવી ગંદી ઝંખનાથી મને બચાવી લેજે. કાલે ઊઠીને હું પતન પામું, તો તેને માટે બીજા લોકો જવાબદાર નહિ હોય. પતનની ક્ષણે પણ હું સ્વાવલંબી હોઉં તો એક ચમત્કાર થશે. હું સુધરી જાઉં ત્યારે પણ સ્વાવલંબી હોઈશ.’ આ બધી વાત છોડો અને ઉંમર ભૂલીને પલળવા માટે કદાચ ધર્મનો મર્મ સમજાઈ જશે.
ટર્કીના કોનિયા નગરમાં વિખ્યાત સૂફી સંત જલાલુદ્દીન રૂમીની દરગાહ આવેલી છે. એ નગરમાં રહેતો એક સૂફી ફકીર અલ્લાહનો પાકો ભક્ત હતો. એ ફકીર બજાર ભણી જઈ રહ્યો હતો ત્યાં સામે એક મુસલમાન મળી ગયો. એ આખી રાત એક તવાયફ (રામજણી)ને ત્યાં ગાળીને ઘરે પાછો ફરી રહ્યો હતો. ફકીરે એને પૂછ્યુંઃ ‘તું ક્યાં ગયો હતો?’ જવાબમાં પેલા નિખાલસ મુસલમાને કહ્યુંઃ ‘હું તો તવાયફને ત્યાં ગયેલો અને હવે ઘેર જાઉં છું.’ ફકીર આગળ ચાલ્યો. ત્યાં બીજો મુસલમાન મળ્યો. ફકીરે એને પૂછ્યુંઃ ‘તું ક્યાં જઈ રહ્યો છે?’ જવાબમાં એ મુસલમાન જુઠ્ઠું બોલ્યોઃ ‘હું શાકભાજી લેવા માટે બજારમાં જઈ રહ્યો છું.’ સૂફી ફકીર એ મુસલમાનનો ચહેરો જોઈને બધી વાત પામી ગયો. એણે એ જૂઠા મુસલમાનને સંભળાવ્યુંઃ ‘તું જે ઔરતને ત્યાં અત્યારે જઈ રહ્યો છે, તેને શું શાકભાજી સમજે છે?’ આખી દુનિયાના બધા લોકો આ બે મુસલમાનોમાં સમાઈ જાય છે. પહેલો નિખાલસ મુસલમાન આજે નહિ તો કાલે જાગશે, પરંતુ બીજો મુસલમાન કદી નહિ જાગે. આજકાલ ઘણાખરા લોકોને સારા હોવાની નહિ, સારા દેખાવાની ચળ ઊપડી છે. રાતના અંધારિયા એકાંતમાં જેના બ્રહ્મચર્યના ભાંગીને ભુક્કા થઈ ગયા હોય એવો માણસ પણ જીવનભર ‘બ્રહ્મચારી’ તરીકે આદર પામતો રહે છે. આવા દંભી લોકો કરતાં આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી સો દરજ્જે સારા! એમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું હતું કે ‘મૈં અપરિણીત હૂં, કિન્તુ બ્રહ્મચારી નહિ હૂં