વન નેશન વન લેજિસ્લેટિવ પ્લેટફોર્મનો વિચાર રજૂ કરતા મોદી

 

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ વિધાનસભા અને સંસદમાં રાજનૈતિક અને અશિષ્ટ ભાષા વગરની ગુણવત્તાસભર ચર્ચા થાય એવું ઇચ્છે છે. શિમલા ખાતે આયોજિત ૮૨મી ઓલ ઇન્ડિયા પ્રીસાઇડિંગ ઓફિસર્સ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદમાં સ્વસ્થ-સકારાત્મક ચર્ચા થવી જોઇએ. શું આપણે સકારાત્મક ચર્ચા કરવા માટે એક અલગ સમય નક્કી કરવા અંગે વિચારણા કરી શકીએ? એવી ચર્ચા જેમાં ગરિમા, ગંભીરતાનું સમગ્રતયા પાલન થાય, કોઈના પર પણ રાજનૈતિક કલંક લાગવું ન જોઇએ. એક રીતે આ સૌથી સ્વસ્થ સમય અને હાઉસનો સ્વસ્થ દિવસ હોવો જોઇએ, એમ વડા પ્રધાને જણાવ્યું. 

વડા પ્રધાને સંસદીય પ્રણાલી માટે અત્યાધુનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન અને દેશની તમામ લોકતાંત્રિક સિસ્ટમને વન નેશન વન લેજિસ્લેટિવ પ્લેટફોર્મ અંગેનો વિચાર પણ રજૂ કર્યો હતો. મારી પાસે વન નેશન વન લેજિસ્લેટિવ પ્લેટફોર્મની પરિકલ્પના છે. એક પોર્ટલ જે માત્ર આપણી સંસદીય પ્રણાલીને જ નહીં જરૂરી ટેક્નોલોજીને પણ પ્રોત્સાહન આપે. એ સાથે દેશની તમામ લોકતાંત્રિક સિસ્ટમને જોડવાનું પણ કામ કરે છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું