વડોદરાની 13 મહિલાઓ 5380 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી

વડોદરાઃ વડોદરા શહેરની 13 મહિલાઓ 5380 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઇ છે. જે ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના છે. અને ગુજરાતમાંથી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મહિલા ટ્રેકર એવરેસ્ટ પર પહોંચી છે. આ ટ્રેકિંગમાં કુલ 13 ટ્રેકર મહિલાઓ હતી, જેમાં 4 ટીનેજર્સ અને 9 મહિલાઓ 40થી વધુની ઉંમરની હતી, આ તમામે 16મી મેના રોજ આ સાહસ સિદ્ધ કર્યુ હતુ, આ 13 ટ્રેકર મહિલાઓ 9 દિવસમાં 75 કલાક ટ્રેકિંગ કરીને સફળતા પૂર્વક એવરેસ્ટ પહોંચી. આ ગ્રુપના પીડિયાટ્રીસન ડો. ઉર્જીતા ભાલાણીએ ઇ.બી.સી ટ્રેકિંગનો જાન્યુઆરીમાં પ્લાન બનાવ્યો હતો. ખાસ વાત છે કે, આ ટ્રેકિંગ તમામ મહિલાઓના જીવનનું પહેલું ટ્રેકિંગ હતું. એવરેસ્ટ બેઝ કેમ્પ માટે વડોદરાથી નીકળતાં અગાઉ પાવાગઢ ટ્રેકિંગ કર્યું, આ જ ટ્રેકિંગ સૌના જીવનનું પહેલું અને એકમાત્ર ટ્રેકિંગ હતું. આ ગ્રૂપે દક્ષિણ તરફના બેઝથી ચઢાણ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ફકડિંગ, નમચેબાઝાર, ડિંગબોચે અને લોબુચે જેા પોઇન્ટ પર થઇને 9માં દિવસે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યાં હતાં. ટ્રેકિંગ શરૂ કર્યું ત્યાર પછીના 3 દિવસ તો સૌ ઉત્સાહમાં ચઢ્યા હતા. પણ ચોછા દિવસથી ગ્રૂપમાં કોઇ એકનો આત્મવિશ્વાસ સાવ ભાંગી પડતો, પણ સૌ એકબીજાને પોરસ ચઢાવતા હતા. માઇનસ 4થી 6 ડિગ્રીની થિજાવતી ઠંડીમાં સતત ફૂંકાતાં પવનો વચ્ચે રોજનું સરેરાશ 8 કલાક ટ્રેકિંગ કર્યું હતું. ઇબીસી પહોંચ્યા ત્યારે એવરેસ્ટ ચઢ્યાનો આનંદ હતો. હવે તેમણે આફ્રિકાનું કિલિમાંજારોનું શિખર સર કરવા આયોજન કર્યું છે.