વડોદરાના જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતને અમેરિકાના વિઝા ના મળ્યા- અમેરિકાના ગરબા આયોજકો ચિંતામાં !

0
859

 


વડોદરાના ગરબાને નવરાત્રિ દરમિયાન આખી દુનિયામાં પ્રસિધ્ધિ અપાવનાર જાણીતા ગરબાગાયક અતુલ પુરોહિત અને તેમના ગ્રુપના બે  સાથીદારો જગદીશ સોલંકી અને રાજેશ સોલંકીને વિઝા આપવાનો અમેરિકન એમ્બેસીએ સાફ ઈન્કાર દીધો હતો. અતુલ પુરોહિતના ગ્રુપની 12 વ્યક્તિઓમાંથી 9 જણાને વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ ખુદ અતુલ પુરોહિતને જ વિઝા આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. અમેરિકામાં કાર્યક્રમો કરીને જંગી કમાણી કરતા ભારતના કલાકારો ટેકસ ભરવામાં પ્રમાણિકતા જાળવતા નથી. તેઓ આવક છુપાવીને ઓછો ટેકસ ભરવાની પ્રયુક્તિઓ અજમાવતાં હોય છે. અતલ પુરોહિતના કિસ્સામાં પણ આવું જ બન્યું હોવાનું  કહેવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યુ જર્સી, ન્યુ યોર્ક અને અમેરિકાના અનેક શહેરોમાં નવરાત્રિ ઉત્સવ માટે અતુલ પુરોહિતના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અતુલ પુરોહિતના ગરબા-કાર્યક્રમની હજારો ટિકિટ વેચાઈ  ગઈ છે. હવે શું કરવું? કાર્યક્રમના આયોજકો મૂંઝવણ અનુભવી રહયા છે, ચિંતા કરી રહયા છે. બે વાર વિઝા આપવાનો ઈન્કાર થયા બાદ હવે આયોજકોએ અતુલ પુરોહિતને ત્રીજી વાર વિઝા માટે પ્રયાસ કરવાની વિનંતી કરી છે.