વડા પ્રધાન મોદી સાથે નાતો અતૂટઃ ઠાકરે

 

 

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે લાંબા ગાળા બાદ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમની સાથે મરાઠા અનામત અને જીએસટીના રિફંડ સહિતના મુદ્દા વિશે ચર્ચા કરી હતી. તેમની આ વન ટૂ વન મુલાકાત અંગે અટકળોની આંધી ઉઠતાં તેમણે બચાવ કર્યો કે આમાં ખોટું શું છે. હું વડા પ્રધાનને મળવા ગયો હતો, નવાઝ શરીફને નહીં! રાજકીય રીતે અમે સાથે નથી તેનો અર્થ એ નથી કે અમારા સંબંધો પુર્ણ થઈ ગયા. આમાં છૂપાવવા જેવુ કંઈ નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ઉદ્ધવ સાથે એનસીપીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમ જ કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ પણ હતા.

બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ઠાકરેએ કહ્યું હતું કે વડા પ્રધાન સાથે મેં રાજ્યના અમુક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી. અમને આશા છે કે વડા પ્રધાન આ તમામ મુદ્દાની વિચારણા કરશે, અમને તેમના પર પૂર્ણ ભરોસો છે. તેમણે કહ્યું હતું કે અમે મરાઠા આરક્ષણ મુદ્દાની પણ ચર્ચા કરી હતી. મેટ્રોના કારશેડ અને જીએસટીનાં લેણાં વિશે પણ ચર્ચા કરી હતી. રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની મદદની જરૂર છે. કોરોનાની રસીકરણના મુદ્દે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ૧૮થી ૪૪ની વયજૂથના રાજ્યના છ કરોડ લોકોને રસીના બે ડોઝ આપવા અમને બાર કરોડ રસીના ડોઝની જરૂર છે. અમે રસી આપવાના તમામ પ્રયાસ કર્યા હતા, પણ રસીનો પૂરતો અને નિયમિત પુરવઠો મળતો ન હતો. હવે રસી ખરીદી કેન્દ્ર સરકાર જ કરવાની છે અને એ નિર્ણય માટે હું વડા પ્રધાનનો આભાર માનું છું. 

મરાઠા અનામતના મુદ્દે અશોક ચવ્હાણે કહ્યું હતું કે મરાઠા અનામત વિશે સુપ્રીમ કોર્ટે પહેલા એમ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણ રાજ્યો નક્કી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે પાંચ મેના જે ચુકાદો આપ્યો હતો એ વિશે અમે વડા પ્રધાનને માહિતી આપી હતી. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે બંધારણમાં ૧૦૨માં સુધારા બાદ રાજ્યો અનામત આપી શકે નહીં. તેમણે કહ્યું હતું કે આરક્ષણ અમારો અધિકાર છે. એ અમને મળવો જોઈએ અને શક્ય પણ બનાવવો જોઈએ. જાતિ આધારના આરક્ષણ પર ૫૦ ટકાની જે મર્યાદા છે એ રદ થવી જોઈએ. આ મર્યાદા માત્ર મરાઠા આરક્ષણ માટે જ નહીં, પણ ઓબીસી આરક્ષણ માટે પણ એ મર્યાદા રદ કરવાની જરૂર છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે અમે કુલ બાર મુદ્દા વડા પ્રધાન સમક્ષ મૂક્યા હતા.