વડા પ્રધાન મોદી અને ગોડસેની એક જ વિચારધારાઃ રાહુલ ગાંધી

 

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ પોતાના મતવિસ્તાર વાયનાડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસે અને વડા પ્રધાન મોદીની વિચારધારા એક જ છે. બસ, મોદીમાં એવું કહેવાની હિંમત નથી કે મને ગોડસેની વિચારધારામાં વિશ્વાસ છે.

તેમણે કહ્યું હતું કે ભારતના લોકોને હવે પોતે ભારતીય છે એ સાબિત કરવાનો વારો આવ્યો છે. નરેન્દ્ર મોદી કોણ છે કે તેઓ લોકોની નાગરિકતા સાબિત કરી રહ્યા છે. આ લાઇસન્સ તેમને કોણે આપ્યું. મને ખબર છે કે હું ભારતીય છું અને મારે એની સાબિતી આપવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ વડા પ્રધાન મોદીને રોજગાર અને નોકરીઓ અંગે સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ વાતને બીજી જગ્યાએ વાળી લે છે. CAA અને NRCથી લોકોને નોકરીઓ નહિ મળે.