વડા પ્રધાન મોદીઐ આયુષમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન લોન્ચ કર્યું

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમવારે આયુષમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજના હેઠળ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઇડી આપવામાં આવશે. આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે આ યોજના સ્વાસ્થ્ય સેવામાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. વર્ચ્યુઅલ લોન્ચ બાદ વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે સ્વાસ્થ્યનો પર્યટન સાથે બહુ સારો સંબંધ છે. સારી અને સંકલિત સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યટન ક્ષેત્રનો વિકાસ કરે છે. 

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના સામાન્ય નાગરિકને રાશનથી પ્રશાસન સુધીની સુવિધા ઝડપથી અને પારદર્શી રીતે ઉપલબ્ધ કરાવે છે, એ વાત નોંધતા મોદીએ જણાવ્યું હતું કે આજે જે રીતે શાસનમાં સુધારા માટે ડિજિટલનો ઉપયોગ થઇ રહ્યો છે, એ અભૂતપૂર્વ છે. 

આ મિશન ગત સાત વર્ષમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારા માટે કરવામાં આવેલા પ્રયત્નોનો નવો તબક્કો દર્શાવતો હોવાની વાત એમણે કહી હતી અને વધુમાં ઉમેર્યું હતું કે એનો વિશ્વસનીય ડેટા દરદીઓને સારી સારવાર અપાવવા સાથે બચત કરાવશે. આ સ્વાસ્થ્ય સોલ્યુશન્સ દેશના વર્તમાન અને ભવિષ્ય માટે મોટું રોકાણ હોવાની વાત એમણે ઉમેરી હતી. 

આ યોજનાની મદદથી એક પત્રના હકારથી ડોક્ટર પોતાના દરદીના મેડિકલ રેકોર્ડ ગમે ત્યાં મેળવી શકશે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી વધુ મદદ કરશે, એવું એમણે કહ્યું હતું. 

વડા પ્રધાને આયુષમાન ભારત ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી. હવે એનો અમલ રાષ્ટ્રવ્યાપી કરાશે.