વડા પ્રધાન મોદીએ ૨૦૧૫થી અત્યાર સુધી ૫૮ દેશોની મુસાફરી કરી, કુલ ખર્ચ ૫૧૭ કરોડ 

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી ૫૮ દેશોની મુલાકાત લીધી છે અને તેના પર કુલ ૫૧૭ કરોડનો ખર્ચ આવ્યો હતો, એમ સરકારે મંગળવારે જણાવ્યું હતું. રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી વી. મુરલીધરને રાજ્યસભામાં લેખિત જવાબમાં ૨૦૧૫થી વડા પ્રધાનના વિદેશ પ્રવાસ અને તેના પરીણામો અંગે માહિતી આપી હતી. તેમની મુલાકાતો પર કુલ ખર્ચ ૫૧૭.૮૨ કરોડ થયો હતો, એમ તેમણે કહ્યું હતું. 

મુરલીધરને આપેલી વિગતમુજબ વડા પ્રધાને અમેરિકા, રશિયા અને ચીન પ્રત્યેકની પાંચ વખત મુલાકાત લીધી હતી અને સિંગાપોર, જમર્ની, ફ્રાન્સ, શ્રીલંકા અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોની એકથી વધુ મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીની છેલ્લી મુસાફરી ૧૩-૧૪ નવેમ્બર, ૨૦૧૯માં બ્રાઝિલની હતી, જ્યાં તેમણે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા) શિખર સંમેલનમાં હાજરી આપી હતી.