વડા પ્રધાન મોદીએ ‘પીએમ ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાન’નો શુભારંભ કર્યો

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં ‘પીએમ ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાન’નો શુભારંભ ર્ક્યો હતો.  આ પ્રસંગે તેમણે અગાઉની સરકારો પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે અત્યાર સુધી વિકાસકાર્યોમાં વિલંબ અને વિકાસકાર્યો પ્રત્યે સુસ્ત અભિગમ અપનાવીને કરદાતાઓનાં નાણાંનો વેડફાટ થતો હતો. 

વડા પ્રધાને મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં માળખાંકીય વિકાસનો વિષય મોટાભાગની રાજકીય પાર્ટીઓની પ્રાથમિકતાથી દૂર રહ્યો છે. તેમના ચૂંટણી ઢંઢેરામાં પણ એનો ઉલ્લેખ જોવા મળતો નહોતો. કેટલાક રાજકીય પક્ષો તો દેશ માટે જરૂરી માળખાંકીય સંરચના નિર્માણની ટીકા કરવામાં પણ ગર્વ અનુભવે છે, પરંતુ એ તો સર્વસ્વીકૃત છે કે ગુણવત્તાપૂર્ણ માળખાંકીય સંરચનાનું નિર્માણ નિરંતર વિકાસનો માર્ગ છે, જેનાથી અર્થતંત્ર સુદૃઢ બને છે અને રોજગાર ઉત્પન્ન થાય છે. 

સુનિયોજિત અને કાર્યાન્વિત વિકાસકાર્યો દ્વારા લોકોનો વિશ્વાસ જીતવાની વાત કરતાં કહ્યું હતું કે, અગાઉ, દરેક જગ્યાએ આપણને ‘વર્ક ઈન પ્રોગ્રેસ’નાં બોર્ડ જોવા મળતાં હતાં અને લોકો માનવા લાગ્યા હતા કે એ કામ ક્યારેય પૂરું નહીં થાય, પરંતુ અમે એમાં પરિવર્તન ર્ક્યું છે. અમે સારી રીતે યોજનાઓ તૈયાર કરી અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગતિ આણી છે. આર્થિક ક્ષેત્રો દ્વારા બહુસ્તરીય સંપર્ક માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરી છે. 

વડા પ્રધાને મોદીએ જણાવ્યું હતું કે જનમાળખાંકીય કામોમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવા માટે આત્મનિર્ભરના સંકલ્પ સાથે આ પ્રોજેક્ટ આગામી ૨૫ વર્ષ માટેની નવી બુનિયાદ પ્રસ્થાપિત કરશે, જે વિકાસ માટે નવું બળ પૂરું પાડીને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરશે. આ નેશનલ માસ્ટર પ્લાન ૨૧મી સદીના નવા ભારતનાં નિર્માણ માટે ગતિશક્તિ આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાને વિવિધ મંત્રાલયો, રાજ્યો અને ઉદ્યોગપતિઓને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું. વડા પ્રધાનના હસ્તે પ્રગતિ મેદાન-નવી દિલ્હી ખાતે ચાર એક્ઝિબિશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.