વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુએનનો ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ એનાયત


વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત કરતા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતરેસ અને મહાનુભાવો. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

નવી દિલ્હીઃ દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ગણાતા ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. વડા પ્રધાને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતરેસના હસ્તે આ એવોર્ડનો સ્વીકાર કર્યો હતો. છ મહાનુભાવોને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ ભારતીયોનું સન્માન છે. ભારતની જનતા પર્યાવરણ બચાવવા પ્રતિબદ્ધ છે. પર્યાવરણ અને કુદરતી હોનારતો સંસ્કૃતિ સાથે સંકળાયેલાં છે, જો પર્યાવરણ કેન્દ્રસ્થાને ન હોય તો કુદરતી હોનારતો અટકાવી શકાતી નથી. હું કહું છું કે, સબકા સાથ સબકા વિકાસ ત્યારે તેમાં કુદરત પણ આવી જાય છે.
વડા પ્રધાને આ એવોર્ડનું શ્રેય ખેડૂતો અને સ્વદેશી સમુદાયોને આપતાં જણાવ્યું હતું કે, એવોર્ડના સાચા હકદાર ખેડૂતો અને સ્વદેશી સમુદાયો છે. ગટરવ્યવસ્થાથી માંડીને જાસૂસીના ક્ષેત્ર સુધી ભારત સ્માર્ટ ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યો છે. ભારતે પ્રકૃતિને હંમેશાં માતા ગણી છે. આ ભારતની નારીનું સન્માન છે. આપણા દેશમાં ગરીબોની સંખ્યા ઘટી રહી છે. દેશની જનતાએ કુદરત પર દબાણ વધાર્યા વિના વિકાસ કરવાની જરૂર છે. તેથી જ હું પર્યાવરણના ન્યાયની વાત કરું છું.
વડા પ્રધાનને એવોર્ડ એનાયત કર્યા બાદ ગુતરેસે ટ્વિટમાં જણાવ્યું હતું કે, વિશ્વને પર્યાવરણના મામલે સાહસિક નિર્ણયો લેનાર નેતૃત્વની જરૂર છે. હું ભારતનો ઉદાહરણ સ્થાપિત કરવા માટે આભાર માનું છું અને પીએમ મોદીને એવોર્ડ એનાયત કરતાં આનંદ અનુભવી રહ્યો છું. વધુમાં એન્ટોનિયો ગુતરેસે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ વિશ્વને માર્ગ ચીંધતું ઐતિહાસિક પગલું લીધું છે. પેરિસ કરાર દુનિયા માટે જરૂરી છે અને મોદીના નેતૃત્વમાં ભારત તેમાં આગેવાની લઈ રહ્યું છે.
વડા પ્રધાન મોદીએ એવોર્ડ સ્વીકાર્યા પછી જણાવ્યું હતું કે, આ સન્માન પર્યાવરણની સુરક્ષા માટે ભારતની સવાસો કરોડ જનતાની પ્રતિબદ્ધતાનું છે અને આ પુરસ્કાર ભારતની એ જૂની પરંપરાનું સન્માન છે જેણે પ્રકૃતિમાં પરમાત્માને જોયો છે અને જેમાં સૃષ્ટિના મૂળમાં પંચતત્ત્વના અધિષ્ઠાનનું આહ્વાન કરવામાં આવ્યું છે. ભારત પ્રકૃતિને હંમેશાં માતાના રૂપમાં જુએ છે. આ ભારતના આદિવાસી, ખેડૂતો અને માછીમારોનું સન્માન છે. આ તમામ માટે જીવન પ્રકૃતિ અનુસાર ચાલે છે. વર્તમાન સમયની માગ છે કે, વસતિને પર્યાવરણ પર, પ્રકૃતિ પર વધારાનો બોજ નાખ્યા વિના વિકાસની તકો સાથે જોડવામાં આવે અને એટલે હું પર્યાવરણ સાથે ન્યાય કરવાની વાત કરું છું. આ સંવેદના આપણા જીવનનો હિસ્સો છે. આ તો ભારતની નારીનું સન્માન છે, જે વૃક્ષો અને છોડનું ધ્યાન રાખે છે, અમે પ્રકૃતિને હંમેશાં સજીવ માની છે, સહજીવ માની છે. આજે ભારત દુનિયાના એ દેશોમાં આવી જાય છે, જ્યાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં શહેરી જીવનને સ્માર્ટ અને ટકાઉ બનાવવા પર જોર આપવામાં આવી રહ્યું છે.