વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫,૮૦૦ કરોડનાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું

મહેસાણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણામાં રૂ. ૫૮૦૦ કરોડનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, ૩૦મી અને ૩૧મી ઓક્ટોબરની બે તારીખો દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે અને એ પછીની તારીખે સરદાર પટેલજીનો જન્મ દિવસ છે. આપણી પેઢીએ વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સરદાર સાહેબ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, ગોવિંદ ગુરુજીનું જીવન ભારતની આઝાદીમાં આદિવાસી સમાજનાં પ્રદાન અને બલિદાનનું પણ પ્રતીક છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, વર્ષોથી સરકારે માનગઢ ધામનું મહત્ત્વ રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યું છે.
વડાપ્રધાને અંબાજીના આશીર્વાદ મેળવવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગબ્બર પર્વતનો વિકાસ કરવા અને તેની ભવ્યતા વધારવા માટે થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આજની પરિયોજનાઓ વિશે વાત કરતા વડા પ્રધાને કહ્યું કે ૬૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન મા અંબેના આશીર્વાદથી કરવામાં આવ્યું છે. આ વિવિધ પ્રોજેક્ટથી કનેક્ટિવિટીમાં વધારે સુધારો થશે અને આ વિસ્તારનાં ખેડૂતોને લાભ થશે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ અને ગાંધીનગરની આસપાસનાં જિલ્લાઓને પણ આ યોજનાઓનો લાભ મળશે.
ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભારતની વિકાસગાથા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. વડા પ્રધાને ચંદ્રયાનના ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પરના સફળ ઉતરાણ અને જી-૨૦ના સફળ પ્રમુખપદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકલ્પની નવી ભાવનાની નોંધ લીધી હતી અને ભારતના કદમાં વધારો થવા માટે લોકોની શક્તિને શ્રેય આપ્યો હતો. તેમણે દેશમાં સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને જળ સંરક્ષણ, સિંચાઈ અને પીવાના પાણી માટેના પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે. તેમણે ઝડપી વિકાસનો શ્રેય ગુજરાતની જનતાએ ચૂંટેલી સ્થિર સરકારને આપ્યો હતો અને કહ્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યને આનો લાભ મળ્યો છે. ઉત્તર ગુજરાતની જનતા માટે વધુમાં વધુ કમાણીના નવા રસ્તા ઊભા કરવા સરકારનો ઉદ્દેશ છે. તેમણે ગુજરાતના વિકાસ માટે નર્મદા અને મહી નદીઓનાં પાણીનો ઉપયોગ કરતી સુજલામ-સુફલામ યોજના પર પ્રકાશ પાડ્યો હતો.
વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સિંચાઈ યોજનાઓને કારણે છેલ્લાં ૨૦થી ૨૨ વર્ષમાં ઉત્તર ગુજરાતમાં સિંચાઈનો વ્યાપ અનેકગણો વધી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સૂક્ષ્મ સિંચાઈની નવી ટેકનોલોજી ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તાત્કાલિક અપનાવી હતી અને બનાસકાંઠામાં ૭૦ ટકા વિસ્તાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના આજના રેલવે પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે મહેસાણા અને અમદાવાદ વચ્ચેના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર વડે પીપાવાવ, પોરબંદર અને જામનગર જેવા મુખ્ય બંદરો સાથે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધુ મજબૂત થશે.
દેશમાં ગ્રીન હાઈડ્રોજન અને સૌર ઊર્જાના ઉત્પાદનને સ્પર્શતા વડા પ્રધાને પાટણ અને ત્યારબાદ બનાસકાંઠામાં સોલાર પાર્ક અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, મોઢેરા ૨૪ કલાક સૌર ઊર્જાથી ચાલતું ગામ હોવાનો ગર્વ અનુભવે છે. વડા પ્રધાને જાણકારી આપી હતી કે, છેલ્લાં ૯ વર્ષમાં આશરે ૨,૫૦૦ કિલોમીટરનાં ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ પૂર્ણ થયું છે, જેના પગલે પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓ એમ બંનેની મુસાફરીનો સમય ઘટી ગયો છે. તેમણે પાલનપુરથી હરિયાણાના રેવાડી સુધીની ટ્રેનો મારફતે દૂધના પરિવહનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતમાં પ્રવાસનની સંભવિતતા પર પ્રકાશ પાડતા વિશ્વ પ્રસિદ્ધ કચ્છ રણ ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here