વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦૦ વર્ષના કર્મશીલ રત્નાબાપા સાથે મોબાઇલ પર ચર્ચા કરી

 

રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અતિ અગત્યના કામોના દબાણ અને મહામારી કોરોના સામેની લડાઈની તણાવ ભરેલી સ્થિતિની વચ્ચે પણ આ મહામારીના સામના માટે પોતાની મરણમૂડી-જીવનનું સર્વસ્વ સમર્પિત કરનાર પીઢ લોકસેવકને દિલ્હીથી ટેલિફોન કરી જૂનાગઢ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, વયોવૃદ્ધ, જીવનની સદીના આરે પહોંચેલા રત્નાભાઇ સાથે વાત કરીને જુની યાદો તાજી કરી. આ વાતચીત દરમિયાન રત્નાભાઇના પુત્ર ધનજીભાઈએ કહ્યું કે થોડા સમય પહેલાં રાજુભાઇ ધ્રુવ આવ્યા  હતા. તેમણે દિલ્હી આવવા માટે પણ કહ્યું. આ ઘટના ખરેખર રસપ્રદ અને ખાસ તો ભાજપની જુના લોકોને સ્મરણમાં રાખવાની પરંપરાનો પુરાવો છે.

દેશમાં આટલા બધા નેતા, કાર્યકરો એની વચ્ચે નરેન્દ્રભાઇએ આ રત્નાભાઇને ફોન કર્યો. રત્નાબાપાએ ૫૧૦૦૦ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો એની જાણ થઇ અને છેક દિલ્હીથી તેમણે રત્નાબાપાને ફોન કર્યો. ગયા વર્ષે સુરેન્દ્રનગરના અગ્રણીના અવસાન સમયે પણ આસામના પ્રવાસ દરમિયાન પણ ફોન કર્યો હતો. આ ભાજપ અને સંઘનું કલ્ચર છે કે જુના વ્યક્તિને ભુલવા ન જોઇએ. 

રાજુભાઇના નામનો ઉલ્લેખ અહીં કેવી રીતે થયો એ અંગે રાજુભાઇ ધ્રુવ જણાવે છે એ કોઇ પણ પ્રવાસમાં જાય ત્યારે એ જિલ્લા કે ગામના જનસંઘ, ભાજપના જુના અગ્રણીને, કાર્યકર્તાને મળે. એ બધાએ પાયો નાંખ્યો, સંઘર્ષ કર્યો હતો એમના ખબર તો પૂછવા જોઇએ. એ રીતે થોડા વખત પહેલાં એ રત્નાબાપાને પણ મળ્યા હતા અને વાત થઇ હતી કે અનુકુળ હોય તો નરેન્દ્રભાઇનો સમય મેળવીને એમને મળવા દિલ્હી જઇએ. રાજુભાઇ ધ્રુવે કહ્યું હતું કે જે સપનાઓ અને સંકલ્પો માટે સંઘ સ્થાપક ડો. હેડગેવારજી, પૂ. ગુરુજી (માધવરાવ સદાશિવરાવ ગોળવલકરજી) ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, પ. દીનદયાળ ઉપાધ્યાયના આદર્શો-સપનાઓ અધૂરા કાર્યોને લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાજપની સંપૂર્ણ બહુમતી સાથે સરકાર રચી અભૂતપૂર્વ ઐતિહાસિક ન ભૂતો ન ભવિષ્યતિ કાર્યો કરી ભારત એકતા અખંડિતતા સાથે શક્તિશાળી બને તે માટે રાત દિવસ પરાક્રમ અને પ્રચંડ પુરુષાર્થ સાથે કામ કરી રહ્યા છે તેમને શુભેચ્છા અને અભિનંદન સાથે આશિર્વાદ આપવા દિલ્હી આવો ત્યારે બાપાએ કહ્યું હતું કે થોડું શરીર  સરખું થાય ત્યારે જશું.

રાજુભાઈ ધ્રુવે આ અંગે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારૂપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી. તેમણે રત્ના બાપાનાં સેવાકીય અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે આટલી જૈફ વય આપના જુસ્સાને હું બિરદાવું છું. આપના જેવા  લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે એમ તેમણે ઉમેર્યું હતું નરેન્દ્રભાઈ મોદીએ રત્નાભાઈની તબીયતની પૃચ્છા કરી તેમના દીર્ઘાયુની કામના કરતા જણાવ્યું હતું કે, બાપા, આ ઉંમરે પણ આપ આટલું પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામ કરો છો. આપને વંદન કરું છુ. ખુબ ખુબ આભાર અને આપની તબિયતનું ધ્યાન રાખજો. હજી ઘણા વર્ષ જીવવાનું છે. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી સંઘ પ્રચારક-વિસ્તારક અને બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ પ્રકારે રાજ્યમાં કે દેશમાં ક્યાંય પણ કોઈએ પણ શ્રેષ્ઠ-અનુકરણીય કામ કર્યું હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવાનું ચૂકતા ન હતા. એ જ પરંપરા આજેય પણ તેમણે ચાલુ રાખી છે. તેમના આવડા મોટા અને સર્વોચ્ચ હોદ્દા પર પહોંચ્યા પછી પણ સમગ્ર દેશમાં નાની-નાની પ્રેરણારૂપ ઘટના ઉપર તેમનું સતત ધ્યાન હોય છે. તેમના પદની જવાબદારીની આટલી વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને પણ તેમણે આ દેશના નિર્માણમાં યોગદાન આપનારા તથા પોતપોતાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપીને રાષ્ટ્રસેવામાં જોડાયેલા સૌ મૂક સેવકોની સમયાંતરે પોતે જાતે જ ટેલિફોન કરીને તેમની તબિયતની પૃચ્છા કરતા હોય છે અને આશીર્વાદ મેળવતા હોય છે. એટલું જ નહીં પરંતુ તેઓને પ્રોત્સાહન આપવાનું  ક્યારેય ચૂકતા નથી. કદાચ આ જ બાબત અન્ય લોકોને કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે.

રત્નાભાઈ મનજીભાઈ ઠુમર ૯૯ વર્ષના છે. તેઓ ૧૯૭૫થી ૧૯૮૦ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્ના બાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સ્વખર્ચે સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે. ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે કરેલી અપીલના પગલે રત્નાબાપાનાં સઘળા પરિવારે ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ ૯૯ વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.

ભારત પાસે રત્નાબાપા જેવા મુઠ્ઠી ઊંચેરા માણસો અને તેમને બિરદાવવા વડા પ્રધાન પદે બેઠેલા નરેન્દ્રભાઈ મોદી જેવા સપૂતો પણ છે. આ વાતને રજુ કરતા યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. ભાજપની અંદર એક પરિવાર ભાવ છે. નાના કાર્યકર્તાથી માંડીને ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન રાજનેતા સૌ પરિવારના સભ્યો છે. દરેક પરિવારની સાથે પરિવાર ભાવ જેવા જ વ્યવહારથી કામ થાય છે. જે રત્ના બાપા સાથે વડાપ્રધાને આટલી વ્યસ્તતા વચ્ચે થયેલો સંવાદ લોકોને સાક્ષી પુરવા માટે પ્રમાણ છે. રાજુભાઇની મુલાકાત  પ્રસંગે રત્નાબાપાના સુપુત્ર ધનજીભાઈ તથા દૌહિત્ર અશ્વિનભાઈ વઘાશિયા તથા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા