વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પાછળ રોજ ૧.૬૨ કરોડનો ખર્ચઃ ગૃહ મંત્રાલય

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પાછળ રોજ ૧.૬૨ કરોડ રૂપિયા ખર્ચાય છે એવો ખુલાસો સરકારના ગૃહમંત્રાલયે કર્યો છે. લોકસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતાં ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે એસપીજી દ્વારા માત્ર વડા પ્રધાનને સુરક્ષા અપાય છે. આ સિવાય દેશના બીજા ૫૬ વીઆઇપીની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફ સંભાળે છે. 

રેડ્ડીએ કહ્યું હતું કે નવા કાયદા પ્રમાણે, હવે એસપીજીની સુરક્ષાવ્યવસ્થા માત્ર વડા પ્રધાન અને તેમના પરિવાજનોને જ મળશે. જોકે ગૃહમંત્રાલય દ્વારા કોને વીઆઇપી સુરક્ષા અપાઈ છે તેમના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. રેડ્ડીએ કહ્યું હતું કે તાજેતરમાં જ પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંઘ, તેમનાં પત્ની ગુરુશરણ કૌર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમનાં સંતાનો રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી લેવાઈ છે. વડા પ્રધાનપદે રહેનારી વ્યક્તિને ત્યાં સુધી જ એસપીજી સુરક્ષા મળશે, જ્યાં સુધી તે વડા પ્રધાન હશે. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૯૮૪માં તેમના જ બોડીગાડ્સ દ્વારા હત્યા કરાયા બાદ વીઆઇપી સુરક્ષા માટે એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું છે.