વડા પ્રધાન અને મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ


રાજકોટમાં નિર્માણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓ. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

રાજકોટઃ સ્વદેશ દર્શન યોજના હેઠળ ગાંધી સર્કિટ અંતર્ગત રાજકોટ શહેરમાં નિર્માણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં રૂ. 26 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરનાં પ્રવાસન સ્થળોના આકર્ષણમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
ચૌધરી હાઈ સ્કૂલમાં જાહેર સભા પૂર્ણ કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા જવાહર રોડસ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પહોંચ્યા હતા. અહીં પ્રવાસનમંત્રી ગણપત વસાવાએ સૂતરની આંટી તથા મેયર બીના આચાર્યે શાલ આપી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડા પ્રધાનને હૃદયકુંજ તરફ દોરી ગયા હતા. મહાત્મા મ્યુઝિયમમાં સાબરમતી આશ્રમના હૃદયકુંજ સમાન પ્રાર્થનાખંડ બનાવવામાં આવ્યો છે. ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજનની સુરાવલિ વચ્ચે અહીં મહાનુભાવોએ મહાત્મા ગાંધીને સૂતરની આંટી અર્પણ કરી તેમના પુણ્યનામનું સ્મરણ કર્યું હતું.
મ્યુઝિયમમાં ભોંયતળિયે રૂમ નંબર બે અને ત્રણમાં ગાંધીજીના જન્મસ્થાન ઉપરાંત પરિવારજનો અને દક્ષિણ આફ્રિકા જતાં પૂર્વે મોહનદાસે તેમની માતા પૂતળીબાઈને આપેલાં વચનની ઝાંખી નિહાળી હતી, જ્યારે રૂમ નંબર ચારમાં મોહનદાસને મહાત્મા બનાવવામાં નિમિત્ત ઘટના એટલે કે સાઉથ આફ્રિકા જતાં પિટર્સબર્ગ સ્ટેશનને બનેલી ઘટનાની રૂપરેખા પણ મહાનુભાવોએ રસપૂર્વક નિહાળી હતી.
ભારતમાં અંગ્રેજ શાસનને લૂણો લગાડનાર આંદોલન મીઠાનો સત્યાગ્રહ અને દાંડીકૂચની પ્રતિકૃતિને પણ વડા પ્રધાન અને મુખ્યમંત્રી તથા મહાનુભાવોએ નિહાળી હતી. પ્રથમ મજલે આવેલા સર્વધર્મ સમન્વય, જેલમાં અંતેવાસ, ગાંધીજીની જીવનશૈલી સાથે વિવિધ પ્રયોગોના રૂમની મુલાકાત લીધી હતી અને મ્યુઝિયમના કોર્ટયાર્ડમાં પ્રસ્તુત કરવામાં આવેલી ગાંધીજીના જીવન પર બનેલી 3-ઝ઼ મેપિંગ ફિલ્મ નિહાળી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધી મ્યુઝિયમના નિર્માણથી પ્રભાવિત થયા હતા અને અહીં આંતરરાષ્ટ્રી કક્ષાના વિશાળ વિડિયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટિંગ, ગાંધી લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હોલ, ઇન્ટરેક્ટિવ મોડ ઓફ લર્નિંગથી સજ્જ મ્યુઝિયમ મલ્ટિમિડિયા મિની થિયેટર, મોશન ગ્રાફિક, ઓગ્મેન્ટેડ રિયલિટી, સક્઱્્યુલર વિડિયો પ્રોજેકશન 3-ઝ઼ પ્રોજેકશન મેપિંગ ફિલ્મથી ગાંધીજીવન તાદશ્ય થાય તેવી વ્યવસ્થા તેમણે ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી.
અંતમાં વડા પ્રધાને સોવેનિયર શોપની મુલાકત લીધી હતી અહી તેમણે નોંધપોથીમાં પૂ. બાપુને વર્તમાન અને ભાવિપેઢીના પથદર્શક ગણાવ્યા હતા.
આ પ્રસંગે રાજકોટનાં મેયર બીનાબહેન આચાર્ય, કમિશનર બંછાનિધિ પાની, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, વંદના રાજ, પ્રવાસન વિભાગ અગ્ર સચિવ એસ. જે. હૈદર, કલેક્ટર ડોે. રાહુલ ગુપ્તા, કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યાં હતાં.