વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોડેલીમાં ઉજવ્યું વિકાસપર્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિજાતિ જિલ્લા છોટા ઉદેપુરના બોડેલીથી રાજ્યના કુલ રૂ. ૫૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપતાં જણાવ્યું કે, વર્ષ ૨૦૦૨ અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી. આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં ૨૫ હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે. ગુજરાતના ૫૦થી વધુ તાલુકાઓમાં કૌશલ્યવર્ધન કેન્દ્રોથી વિદ્યાર્થીઓમાં કુશળતાના બીજ રોપાયા છે.
વડાપ્રધાને શિક્ષણને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવતી રાજ્ય સરકારની ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ પહેલ અંતર્ગત રૂ. ૪૫૦૫ કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યો ઉપરાંત માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના મળી રાજ્યના કુલ રૂ. ૫૨૦૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમુહુર્ત કરતા વિકાસ કામોની હેલી વરસાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વડાપ્રધાને ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હેઠળ રૂ. ૧૪૨૬ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. ૩૦૭૯ કરોડના કામોના ખાતમુહુર્ત એમ કુલ રૂ. ૪૫૦૫ કરોડના વિકાસકાર્યો અંતર્ગત ૯૦૮૮ નવીન વર્ગખંડો, ૫૦,૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ્સ, ૧૯,૬૦૦ કોમ્પ્યુટર લેબ્સ, ૧૨,૬૨૨ વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું હતું. ઉપરાંત, રૂ. ૨૫૧ કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ દ્વારા રૂ. ૨૦૯ કરોડના ખર્ચે દાહોદમાં છાબ તળાવ વિકાસકાર્યો અને વોટર સપ્લાય યોજનાનું લોકાર્પણ તેમજ રૂ. ૪૨ કરોડના ખર્ચે પીએમ આવાસ યોજના હેઠળ સેવાસી, વડોદરા ખાતે EWS-2 કેટેગરીના ૪૨૦ મકાનોનું લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગના રૂ. ૨૨૫ કરોડના ખર્ચે નર્મદા નદી પર ડભોઈ -શિનોર- માલસર અસા બ્રિજનું લોકાર્પણ, રૂ. ૫૨ કરોડના ખર્ચે ગોધરા ખાતે ફ્લાય નીઓવરબ્રિજનું ખાતમુહૂર્ત, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના રૂ. ૬૦ કરોડના ખર્ચે રાજ્યના ૨૨ જિલ્લાઓના ૭૫૦૦ ગામોમાં ૨૦ લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઈ-ફાઈ સુવિધાનું લોકાર્પણ, પાણી પૂરવઠા વિભાગના રૂ. ૮૦ કરોડનાં ખર્ચે ક્વાંટ ખાતે રૂરલ વોટર સપ્લાય સ્કીમ (RWSS)નું ખાતમુહૂર્ત, દાહોદમાં રૂ. ૨૩ કરોડના ખર્ચે નવનિર્મિત નવોદય વિદ્યાલય અને રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત FM રેડિયો સ્ટુડિયોનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સી. આર. પાટીલ સાથે સમારોહ સ્થળે ખૂલ્લી જીપમાં સવાર થઈ જનમેદનીનું અભિવાદન ઝીલતા મંચ સુધી પહોંચ્યા હતા. સભામાં ઉપસ્થિત માનવ મહેરામણે વડાપ્રધાનને હર્ષનાદ સાથે વધાવ્યા હતા. તેમના આગમન દરમિયાન પરંપરાગત આદિવાસી નૃત્યો અને આદિવાસી વાદ્યોની સુરાવલિ સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here