વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 હજાર કરોડની રેલવે યોજનાઓનું કર્યુ લોકાર્પણ

નવી દિલ્હીઃ દેશનાં 508 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 508 રેલવે સ્ટેશનનોનું ભૂમિપૂજન કર્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ પ્રત્યેક નાગરિક માટે રેલવે યાત્રાને વધુ સુલભ અને સુખદ બનાવવાનો છે આજથી ભારતીય રેલવેમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થશે.
આ પ્રોજેક્ટ પર 24 હજાર 470 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. 2025 સુધીમાં આ રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરવાનો લક્ષ્યાંક છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ 508 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થશે. જેમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના રેલવે સ્ટેશનો સામેલ છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભારત વિકસિત થવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં અમૃત ભારત યોજના હેઠળ 1300 રેલવે સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે, જેમાં 508 અમૃત ભારત સ્ટેશનના પુનર્નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. આ 508 સ્ટેશનોના નવનિર્માણ પર લગભગ રૂ. 25,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ લાભ દેશનાં લગભગ તમામ રાજ્યોને મળશે. જેમ કે ઉત્તર પ્રદેશમાં રૂ. 4000 કરોડના ખર્ચથી 55 સ્ટેશનો વિકસિત કરવામાં આવશે. રાજસ્થાનમાં 55 રેલવે સ્ટેશન અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત નવનિર્મિત થશે. મધ્ય પ્રદેશમાં રૂ. 1000 કરોડના ખર્ચથી 34 સ્ટેશનના કાયાકલ્પ થવાની છે. મહારાષ્ટ્રમાં 44 સ્ટેશનના વિકાસ માટે રૂ. 1500 કરોડ ખર્ચ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાછલાં કેટલાંક વર્ષોમાં રેલવેમાં ઘણાં કામ થયાં છે. નવ વર્ષોમાં દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન કરતાં પણ વધુ રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે. ભારતમાં આજે આધુનિક ટ્રેનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે દેશનું લક્ષ્ય છે કે રેલવેની યાત્રા દરેક યાત્રા માટે, દરેક નાગરિક માટે સુલભ હોય અને સુખદ પણ હોય. વર્ષ 2014 પહેલાં દેશમાં 6000થી ઓછા રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ હતા, જોકે હવે એ વધીને 10,000થી વધુ થઈ ગયા છે. જલદી તમામ રેલવે ટ્રેકને વિદ્યુતીકરણ કરી દેવામાં આવશે. પાછલા નવ વર્ષમાં સૌર પેનલથી વીજળી પેદા કરનારા સ્ટેશનોની સંખ્યા વધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતને લઈને દુનિયાની દ્રષ્ટિ બદલાઈ છે. તેના બે મુખ્ય કારણો છે. પહેલું એ કે ભારતના લોકોએ ત્રણ દાયકા બાદ દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી છે. બીજું, પૂર્ણ બહુમતની સરકારે તેની સ્પષ્ટતા સાથે મોટા મોટા નિર્ણયો લીધા, પડકારોના સ્થાયી સમાધાન માટે કામ કર્યું.
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં આજે આધુનિક ટ્રેનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે દેશનું લક્ષ્યાંક છે કે રેલવેની યાત્રા દરેક મુસાફર માટે દરેક નાગરિક માટે સુલભ હોય અને સુખદ પણ હોય. હવે ટ્રેનથી લઈને સ્ટેશન સુધી તમને એક સારો અનુભવ આપવાનો પ્રયત્ન છે. આઝાદીના અમૃતકાળમાં દેશે પોતાના વારસા પર ગર્વનો પણ સંકલ્પ લીધો છે. આ અમૃત રેલવે સ્ટેશન તેના પણ પ્રતિક બનશે. આ સ્ટેશનોમાં દેશની સંસ્કૃતિ અને સ્થાનિક વારસાની ઝલક જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here