વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કરાયું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ શિક્ષક સંઘના અધિવેશનમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે શિક્ષકોને સંબોધિત કર્યા હતાં. ત્યારબાદ તેઓ સીધા જ મહાત્મા મંદિર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રૂ. ૧૯૪૬ કરોડના ખર્ચે બનેલા ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, ડબલ્યુએચઓના વડાએ ભારતીય શિક્ષકોની પ્રશંસા કરી હતી. હું આજીવન વિદ્યાર્થી છું તેમ ગર્વથી કહું છુ. ૨૧મી સદીમાં ઝડપથી બદલતા સમયમાં દેશની શિક્ષા વ્યવસ્થા બદલાઇ રહી છે. અગાઉના શિક્ષકો સામે સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો. પરંતુ હવે આધુનિક સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શાળાઓ સજ્જ બનતી જાય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં શિક્ષકોનો મહત્વનો ખૂબ જ મહત્વનો ફાળો છે. આ નીતિ અમલમાં લાવવાથી બાળકોનું જીવન બદલાશે. આ શિક્ષણ નીતિ પ્રેક્ટિકલ આધારિત છે. વિદ્યાર્થીઓ માટે માહિતીના અલગ અલગ સ્ત્રોત છે. ગૂગલ પર ડેટા મળી શકે પણ નિર્ણય તો પોતે જ લેવો પડે છે. ટેકનોલોજીથી માહિતી મળી શકે પણ યોગ્ય દ્રષ્ટીકોણ તો શિક્ષક જ આપી શકે છે. કઇ જાણકારી યોગ્ય છે કઇ નથી તે એક ગુરુ જ કહી શકે છે. ગુરુ જ વિદ્યાર્થીને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરે છે. ૨૧મી સદીના વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા મોટી છે.
વડાપ્રધાને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મોટી છે. સરકારી સ્કૂલોમાં દીકરીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા જોવા મળે છે. ઉમરગામથી અંબાજી સુધી વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ જ નહોતો થતો. આજે આદિવાસીના દીકરા-દીકરીઓ ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. વિદેશી નેતાઓના જીવનમાં ભારતીય શિક્ષકોનું મોટુ યોગદાન છે. ઘણા ભૂટાનના નાગરિકોને ભારતીય શિક્ષકે ભણાવ્યા છે. વડાપ્રધાન મોદી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચ્યા હતા. ગુજરાત અને દેશભરના શિક્ષકો અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં રૂ. ૨૪૫૨ કરોડના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ. ૧૬૫૪ કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ. ૭૩૪ કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ. ૩૯ કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ. ૨૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું.