વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ૪૦ દેશના મંત્રીને મળશે

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચના પહેલા સપ્તાહમાં ૪૦ દેશના વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજશે. જી-૨૦ અને રાયસીના સંવાદના બેનર હેઠળ યોજાનારી આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ કેન્દ્રસ્થાને રહેશે. જોકે, યુક્રેન આ બેઠકમાં ભાગ નહીં લે, પરંતુ રશિયાના બહાને આ મુદ્દે ચર્ચા થશે. એવું કહેવાય છે કે, આ બેઠકમાં ભારત યુદ્ધ સમાપ્ત કરવાની ફોર્મ્યુલા રજૂ કરીને મોટી પહેલ કરી શકે છે.

જી-૨૦ મુખ્યત્વે આર્થિક વિકાસને ગતિ આપવા માટેનું મંચ છે, પરંતુ રશિયા પર લાગેલા પ્રતિબંધો અને ભારત જેવા દેશો દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે પણ રાજકીય ચર્ચા થઇ શકે છે. આ બેઠકમાં સપ્ટેમ્બરમાં યોજાઇ રહેલા શિખર સંમેલનનો એજન્ડા તૈયાર થશે. અધ્યક્ષ તરીકે ભારત જ તે એજન્ડા નક્કી કરશે. જી-૨૦ની ૧૯૦ બેઠક નક્કી થઇ છે, જે ભારતના ૫૦ શહેરમાં યોજાશે.

૪૦ દેશ ભાગ લશે, મિત્ર દેશોને પણ આમંત્રણ જી-૨૦ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, તૂર્કિયે, અમેરિકા અને યુરોપિયન યુનિયન પણ ભાગ લેશે. બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઇ જેવા મિત્ર દેશોને પણ આમંત્રણ છે. તેમાં લગભગ તમામ દેશના વિદેશ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે.

શ્રીનગરમાં જી-૨૦ના પ્રવાસનને લઇને પણ બેઠક થશે. તેની સત્તાવાર જાહેરાત નથી થઇ, પરંતુ સૂત્રોના મતે શ્રીનગરમાં મે મહિનામાં બેઠક યોજવાની તૈયારી શ‚ થઇ ગઇ છે. આ બેઠક જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની આસપાસ હશે. કલમ ૩૭૦ હટાવ્યા પછી યોજાઇ રહેલી પહેલી ચૂંટણી અંગે વિદેશી પ્રતિનિધિઓને સંદેશ અપાશે કે, કેવી રીતે કાશ્મીર વિકાસ માર્ગે આગળ વધી રહ્યું છે. પાકિસ્તાને ચીનની ડિપ્લોમેટિક ચેનલ થકી શ્રીનગરમાં જી-૨૦ બેઠક અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યું છે.

ભારત, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ કે સાઉદી અરબના ગ્રૂપમાં જ વિકાસશીલ દેશોની હિસ્સેદારી છે. ભારતની ભૂમિકા એ છે કે, જે વિકસિત નથી, તેમનો અવાજ બનો. ગ્લોબલ સાઉથ સમિટમાં વડાપ્રધાને વિકાસશીલ દેશોના સૂચનો પણ મેળવી લીધા છે. ગઇ જી-૨૦ બેઠકમાં અનેક કારણસર કોઇ પરિણામ નહોતું આવી શક્યું. તેનું મુખ્ય કારણ યુક્રેન યુદ્ધ હતું. આ વખતે મૂડ સારો છે, સંજોગો પણ સારા છે.

આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી, તેમની વાતને બધાએ સ્વીકારી હતી. હવે જોવાનું છે કે, શું કોઇ વચ્ચેનો માર્ગ નીકળે છે? ભારત સકારાત્મક છે કારણ કે, જી-૨૦ની અધ્યક્ષતા આપણી પાસે છે અને અધ્યક્ષ હોવાના નાતે ભારત જ આઉટકમ દસ્તાવેજો લખશે. જે પરિણામો આવશે, તે પણ ભારત લખશે. સાર પણ ભારત લખશે. દિલ્હી જાહેરાતનો ડ્રાટ પણ ભારતમાં જ લખાશે.

ચીનને ફક્ત ભારત સાથે નહીં, પરંતુ બહુ બધા મુદ્દાનો સામનો કરવાનો છે. અમેરિકાના પણ મુદ્દા છે. અનેક વિકાસશીલ દેશ ચીનના દેવાથી પરેશાન છે. તેઓ ચીનને વધુ ઉદાર રહેવા પર ભાર મૂકશે. એટલે ચીન અનેક મામલે બેકફૂટ પર રહેશે.

બાઇડેને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, અમેરિકા લાંબા યુદ્ધ માટે તૈયાર છે. એક વર્ષ થઇ ગયું છે અને અમેરિકા હવે પાછળ નહીં હટે. ભવિષ્ય માટે બધું બરાબર છે. જ્યારે બે હાથી લડે છે, ત્યારે આસપાસનું ઘાસ કચડાય છે.