વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કર્યું

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વેના ૨૪૭ કિમીના દિલ્હી-દૌસા-લાલસોટ સેકશનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે ઇન્ફ્રાસ્ટ્રકચર પર ભારે ખર્ચ કરી રહ્યાં છે. આ વર્ષના બજેટમાં અમે માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૦ લાખ કરોડની જોગવાઇ કરી છે. જે ૨૦૧૪ કરતા પાંચ ગણી વધારે છે. તેનાથી રાજસ્થાનને ઘણો ફાયદો થવાનો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વેથી ઘણા રાજયોને ફાયદો થશે. આનાથી રાજયોના પ્રવાસનને વેગ મળશે. વડાપ્રધાને કહ્યું કે રાજધાનીથી જયપુરની યાત્રા પણ ઓછા સમયમાં પૂર્ણ થશે. કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન મોદીએ ‚. ૫,૯૪૦ કરોડથી વધુના ખર્ચ વિકસાવવામાં આવનાર ૨૪૭ કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેકટનો શિલાન્યાસ પણ કર્યો હતો.

આ પછી સભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર ભારતના બોર્ડર વિસ્તારમાં રોડ બનાવવાથી ડરતી હતી. તેમને લાગતું હતું કે દુશ્મન આપણે બનાવેલા રોડ પર ચાલી દેશની અંદર આવી જશે. મને સમજમાં નથી આવતું કે કોંગ્રેસ શા માટે આપણા સૈનિકોની બહાદુરી પર શંકા કરે છે. બોર્ડર ઉપર દુશ્મનોને અટકાવવા અને તેમને જડબાતોડ જવાબ આપતા આપણા સૈનિકોને સારી રીતે આવડે છે. આ પહેલા દૌસામાં હાઇવેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે આ વિકસિત ભારતની તસવીર છે. જયારે આવા આધુનિક રોડ બનાવવામાં આવે છે ત્યારે દેશની પ્રગતિ વેગ પકડે છે. આ પ્રોજેકટ રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની તસવીર બદલી નાખશે.

એકસપ્રેસ વેનો આ વિભાગ શ‚ થવાથી રાષ્ટ્રીય રાજધાનીથી જયપુર સુધીનો મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને લગભગ સાડા ત્રણ કલાક થવાની ધારણા છે. પીએમઓ અનુસાર, ૧૨,૧૫૦ કરોડ ‚પિયાથી વધુના ખર્ચથી વિકસીત દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વેનો આ પહેલો ભાગ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે. 

વડાપ્રધાન મોદીએ દૌસાથી ‚. ૧૮,૧૦૦ કરોડથી વધુના રોડ ડેવલપમેન્ટ પ્રોજેકટની શ‚આત કરી. દિલ્હી-મુંબઇ એકસપ્રેસ વે ૧,૩૮૬ કિમીની લંબાઇ સાથે ભારતનો સૌથી લાંબો એકસપ્રેસ વે હશે. તે દિલ્હી અને મુંબઇ વચ્ચેની મુસાફરીનું અંતર ૧,૪૨૪ કિમીથી ૧૨ ટકા ઘટાડીને ૧,૨૪૨ કિમી કરશે. આનાથી બે મહાનગરો વચ્ચેનો મુસાફરીનો સમય ૫૦ ટકા ઘટશે. હાલમાં દિલ્હીથી મુંબઇની મુસાફરીમાં ૨૪ કલાકનો સમય લાગે છે. પરંતુ આ એકસપ્રેસ વે ચાલુ થયા બાદ તેને પૂર્ણ કરવામાં લગભગ ૧૨ કલાકનો સમય લાગશે. 

આ એકસપ્રેસ વે છ રાજયો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે