વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત ખેલ મહાકુંભ-૨૦૨૨નો પ્રારંભ 

 

ગાંધીનગર: અગિયારમા ખેલ મહાકુંભની શુભકામનાઓ આપવાની સાથે ઉપસ્થિત યુવા જોશ’ના ઉમંગથી લહેરાતા સાગરને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો નૌજવાન હવે આસમાનને આંબવા માટે તૈયાર છે. આ માત્ર ખેલનો જ મહાકુંભ જ નહિ, ગુજરાતની યુવા મહાશક્તિનો મહાકુંભ છે. કોરોનાકાળમાં બે વર્ષથી મુલતવી રહેલા ખેલમહાકુંભનું ચાલુ વર્ષે વધુ જોશ અને આયોજનપૂર્વકનું આયોજન કરવા બદલ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, તેમના આ પ્રયાસોએ યુવા ખેલાડીઓને નવા જોશથી ભરી દીધા છે. ખેલમહાકુંભ જેવા આયોજનમાંથી નીકળતા યુવાઓ એશિયન-ઓલમ્પિક-કોમનવેલ્થ જેવા રમતોત્સવમાં ગુજરાત અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. હજુ પણ અહીંથી નવી પ્રતિભા નીકળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાને ઉમેર્યું હતું કે, એક સમય હતો જયારે ખેલજગતમાં ભારતની ઓળખ માત્ર એક-બે ખેલ પૂરતી જ માર્યાદિત હતી. જેના લીધે કેટલીક ગૌરવાન્વિત પ્રતિભાઓ પણ છુપાયેલી રહી હતી. આ પૂર્વે, સ્પોર્ટસ માટે જે પ્રાથમિકતા આપવામાં આવતી જોઈતી હતી, તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. એટલું જ નહિ, રાજકારણની માફક, સ્પોર્સમાં પણ ભાઈ-ભતીજાવાદ ઘુસી ગયો હતો અને સારા ખેલાડીઓની પસંદગીમાં પારદર્શિતાનો ભારે આભાવ હતો. આ વમળમાંથી નીકળીને 

આજે ભારતની યુવા પ્રતિભા હવે નવી ઊંચાઈઓ આંબી રહી છે. દુનિયાનો સૌથી યુવા દેશ ખેલના મેદાનમાં પણ એક તાકાત બનીને ઉભરી રહ્યો છે. ટોક્યો ઓલમ્પિકમાં ૭ મેડલ અને ટોક્યો પેરા ઓલમ્પિકમાં ૧૯ મેડલ્સ જીતીને ભારતે વૈશ્વિક સ્તરે તેના પરચમ લહેરાવી દીધા છે. મને ભરોસો છે કે, ના હિન્દુસ્તાન ઝુકેગા, ના હિન્દુસ્તાન થયેગા! મને મારા દેશના ખેલાડીઓ અને તેમની તપશ્ચર્યા ઉપર વિશ્વાસ છે, તેમના સપના-સંકલ્પ ઉપર ભરોસો છે. આજે હું લાખો યુવા સામે હિંમતથી કહી શકું છું કે, ભારતની યુવા શક્તિ દેશને ખુબ જ આગળ લઈને જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજથી ૧૨ વર્ષ પહેલા નરેન્દ્રભાઈએ રમતગમતને ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવાનું જે સપનું જોયું હતું તે તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાને આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે અને ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ મહાકુંભમાં આજે ૫૫ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં રાજ્યના રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સમક્ષ સંકલ્પશક્તિની તાકાતનું શું હોય છે, તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભના ૧૧-મા સંસ્કરણના સરદાર પટેલ સ્ટેડિયમથી ભવ્યાતિભવ્ય શુભારંભના પ્રસંગે રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ તથા મોટા પ્રમાણમાં ખેલપ્રેમીઓ, કોચ અને કલાકારો જોડાયા હતા.