વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમઃ પરીક્ષા પે ચર્ચા – વડાપ્રધાને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સાથે ચર્ચા કરી..

 

    મન કી બાત અંતર્ગત જનતા સાથે સંપર્કનો સેતુ બાંધનારા વડાપ્રધાન અવાર નવાર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા- વિચારણા કરીને તેમનું માર્ગદર્શન કરતાં રહે છે. કુમળી કે કિશોર વયના વિદ્યાર્થીઓને વડાપ્રધાને ભૂતકાળમાં પણ વાતચીતનો દૌર શરૂ કરીને અમૂલ્ય સલાહ- સૂચનો આપ્યા હતા. આથી જ આ કાર્યક્રમની લોકપ્રિયતા દિન- પ્રતિદિન વધતી રહે છે. વડાપ્રધાને ઉપરોક્ત કાર્યક્રમ માં જણાવ્યું હતું કે, હું આશા રાખી રહ્યો છું કે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની તૈયારીઓ સારી રીતે ચાલી રહી હશે. આ મારો તમારી સાથે પહેલો વર્ચ્યુઅલી પ્રોગ્રામ છે. આપણે છેલ્લા દોઢ વરસથી કોરોનાની મહામારીના માહોલમાં જીવી રહ્યા છીએ. તમને રૂબરૂ મળવાની મારી ઈચ્છાનો મારે ત્યાગ કરવો પુડ્યો છે. સમયને અનુસાર એક નવા ફોર્મેટમાં હું આપની સાથે સંપર્કથી જોડાઈ રહ્યો છું. તમને હું ન મળી શકું , એમાં મારે પક્ષે મોટી હાર છે. આમ છતાં આપણે જાણીએ છીએ કે તમારી પરીક્ષાઓ યોજાઈ રહી છે. આપણે એ વિષય પર ચર્ચા કરીશુ૆. 

         પલ્લવી અને અર્પણ પાંડેએ (12મા ધોરણના વિદ્યાર્થીઓ) પ્રશ્ન પૂછ્યો હતો કે, પરીક્ષાના સમયે બહુ તનાવ – ટેન્શન થાય છે, ડર લાગે છે તો એને દૂર કરવા માટે શું કરવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે, તમે શું પહેલીવાર પરીક્ષા આપવા જઈ રહ્યો છો…દરેક વરસે માર્ચ- એપ્રિલમાં ફાઇનલ પરીક્ષાઓ લેવાતી જ હોય છે. એ વાત તમે બધા જાણો છો. એ કંઈ અચાનક નક્કી કરવામાં નથી આવ્યું. એથી કંઈ આપણે માથે આભ નથી તૂટી પડવાનું . તમને પરીક્ષાનો ડર નથી, પણ તમારી આસપાસ એક એવું વાતાવરણ બનાવી દેવામાં આવ્યું છે કે, પરીક્ષા જ જાણે તમારું સર્વસ્વ છે. આપણું સામાજિક વાતાવરણ, માતા- પિતા, સગાં- સંબંધીઓ એવું વાતાવરણ ઊભું કરી દે છે કે જણે કોઈ મહાસંકટમાંથી તમારે પસાર થવાનું છે. એ સંકટનું નામ છે પરીક્ષા. હું સહુ મિત્રો ને વિનંતી કરીને કહી રહ્યો છું કે, આવું માનવું એ સૌથી મોટી ભૂલ છે. આપણે જરૂરત કરતા વધારે વિચાર કરીએ છીએ. આપણે પરીક્ષાને વધારે મહત્વ આપી દઈએ છીએ. પરીક્ષા એ જિંદગીનો આખરી પડાવ – મુકામ નથી. જીવનમાં તો આવા અનેક પડાવ આવે છે- ને આવશે. આ પરીક્ષા પણ એમાંનો એક નવો પડાવ જ છે…