વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધનઃ કોરોનાના પ્રતિકાર બાબત બેદરકાર નહિ રહેવા અને સતત કાળજી આપવાની સલાહ આપી …

 

 

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશના લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે, આપણે સહુએ એ યાદ રાખવું જરૂરી છે કે, કોરોના વાયરસ હજી ગયો નથી. દેશમાં રિકવરી રેટ સારો છે. મૃત્યુ દર ઓછો છે. કોરોના સામે દેશવાસીઓએ લાંબી લડાઈ લડવાની છે. ભારતમાં 10 લાખ લોકોમાં  પાંચ હજાર લોકોને સંક્રમણ થયું છે, જયારે અમેરિકા – બ્રાઝિલમાં પ્રતિ દસ લાખે  સંક્રમણનો આંક છે પચીસ હજાર. ભારતમાં પ્રતિ દસ લાખ લોકોએ મૃત્યુનો દર છે 83. જયારે અમેરિકા, બ્રાઝિલ, સ્પેન, બ્રિટન જેવા દેશોમાં 10 લાખ લોકોમાં 600 થી વધુ લોકો સંક્રમણને કારણે મોતનો ભોગ બન્યા છે. જગતના સુખી અને સંપન્ન રાષ્ટ્રોની સરખામણીએ ભારત વધુ લોકોને સંક્રમણથી મુક્ત કરવામાં વિજયી કરી દીધું છે. રહ્યો છે. દેશમાં બાર હજાર કવોરેન્ટાઈન સેન્ટરો છે. દેશમાં કોરોનાની બે હજાર ટેસ્ટિંગ લેબ છે. દેશમાં કોરોનાની ટેસ્ટિંગની સંખ્યાની ક્ષમતા 10 કરોડે પહોંચવાની તૈયારીમાં છે. અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઘટવા માંડ્યા હતા. પરંતુ અચાનક કોરોનાના કેસ વધી રહ્યા છે. એ ચિંતાનો વિષય છે. મોદીએ જણાવ્યું હતું કે, કોરોના જતો રહ્યો છે એવું માનવાની જરૂર નથી. ઘણા લોકોએ સાવધાની દાખવવાનું બંધ કર્યું છે. કાળજી રાખવામાં ઢીલાશ રાખવાનું શરૂ કરી દીધું છે. જો તમે બેદરકારી રાખશો, માસ્ક પહેર્યા વિના બહાર નીકળશો તો તમે તમારી જાતને, તમારા બાળકોને અને તમારા તમામ પરિવારજનોને સંકટમાં મૂકી રહ્યા છો. ગોસ્વામી તુલસીદાસજીના રામચરિત માનસમાં સરસ વાત કહેવામાં આવી છેઃશત્રુ, બિમારીને કયારેય નાની સમજીને લાપરવાહી ના રાખવી જોઈએ. જબ તક નહિ દવાઈ, તબ તક નહિ ઢીલાઈ. જીવનમાં જવાબદારી નિભાવવાની સાથે સાથે સતર્કતા રાખવી જરૂરી બની રહે છે. બે ગજની દૂરી, સમયે – સમયે સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવો, સેનેટાઈઝસર્નો ઉપયોગ કરવો – આટલું જરૂર કરજો. હું દેશવાસીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું. આવનારા તહેવારો તમારા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરે એવી શુભકામના આપું છું. કોરોના અંગે કશી પણ બેદરકારી ના રખાય એવી મારી આપ સહુને વિનંતી છે. મીડિયાના મિત્રોને પણ મારો આગ્રહ છે કે, તેઓ પણ કોરોના સામેના જાગૃતિ અભિયાનમાં જોડાય. હું આપ સહુને નવરાત્રિ, દશેરા, દિવાળી, ગુરુનાનક જયંતિ સહિત તમામ તહેવારો માટે શુભકામના અને અભિનંદન પાઠવું છું.