વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન – બે મહિનામાં પાંચમી વાર 12 મેના  રાતે વડાપ્રધાને દેશની જનતાને સંબોધીઃ વડાપ્રધાનનું વકતવ્ય 33 મિનિટનું રહ્યું … લોકડાઉનના કારણે વિપુલ વસ્તી ધરાવતા દેશના લોકોના આરોગ્યની સુખાકારી માટે સતત કાર્યરત રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું પીઓમઓ કાર્યાલય…

     તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગું પ્રવચન કરીને લોકોની સાથે સંવાદનો સેતુ બાંધ્યો હતો. દેશમાં 17મેના લોકડાઉનનો 3જો તબક્કો પૂરો થઈ રહ્યો છે . ત્યારબાદ લોકડાઉનની સમય- મર્યાદા લંબાવવા માટે મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી , હરિયાણા અને તેલંગણાના મુખ્યપ્રધાનોએ અગાઉની બેઠકમાં વડાપ્રધાનને સૂચન કર્યું હતું. દેશના અન્ય રાજ્યો પણ લોકડાઉનની અવધિ લંબાવવાના મતના હતા. જો કે 17મેના પૂરા થઈ રહે્લા લોકડાઉનને લંબાવવામાં આવશે એવી માહિતી વડાપ્રધાને આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો તબક્કો લંબાવવામાં આવશે . 4થા તબક્કાના લોકડાઉનમાં નિયમો અલગ હશે, એના રૂપ- રંગ પણ અલગ હશે.. તેમાં કેટલાક પરિવર્તન અને કેટલાક નવા નિયમોનો સમન્વય કરવાનમાં આવશે. 17મેની અ્ગાઉ સરકાર દ્વારા નવી લોકડાઉન- આચારસંહિતાની જાણ કરવામાં આવશે. 

      વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું : 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ…!        

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધતી વખતે કોરોનાને કારણે  દેશમાં સર્જાયેલી પરિસ્થિતિ અને વિષમતાઓ સામે રાહત તરીકે રૂપિયા 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, આ રાહત પેકેજી વિગતવાર માહિતી ટૂંક સમયમાં સરકાર દ્વારા આપવામાં આવશે. આ રાહત પેકેજમાં સમાજના દરેક સ્તરના લોકોને આર્થિક રાહત મળે એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. દેશના ખેડૂતો, મજૂરો અને ગરીબોનું આ પેકેજમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતો, મજૂરો તેમજ  મધ્યમવર્ગ દેશની કરોડરજ્જુ છે, તે મજબૂત હોવી અતિશય જરૂરી છે.મધ્યમ વર્ગના લોકો અને ગરીબોને અત્યારે રાહતની વિષેષ જરૂર છે. સેંકડો લોકોની રોજી- રોટી છિનવાઈ ગઈ છે. નાના- મોટા ઉદ્યોગો હાલમાં બંધ પડ્યા છે. દેશનું આર્થિક માળખું  વેરવિખેર થઈ ગયું છે. આપણે સહુએ સાથે મળીને આ માળખાને સુવ્યવસ્થિત કરવાનું છે. આપણે  આપણા દેશને કોરોનાથી બચાવવાનો છે, સુરક્ષિત રહેવાનું છે અને એની સાથે સાથે આપણે આગળ વધવાનું છે, વિકાસનું કાર્ય આગળ ધપાવવાનું છે. મેં કોરોનાને કારણે અનિવાર્ય બની રહેલા લોકડાઉન બાબત દેશના મુખ્ય પ્રધાનો સાથે  વિચાર- વિમર્શ કરીને તેમના સૂચનો પણ માગ્યા છે. ભારતના લોકો હવે નિર્ભીક અને જાગૃત બન્યા   છે. આફતને અવસરમાં પરિવર્તિત કરવાનું ભારતના લોકોને આવડે છે. હાલમાં આપણે એ જ કરવાનું છે. આપણે આવી પડેલી પરિસ્થિતિ, તકલીફોમાંથી માર્ગ શોધીને આગળ વધવાનું છે. આફતને અવસરમાં બદલવાની છે. જ્યારે કોરોનાના ચેપની શરૂઆત થઈ ત્યારે ભારતમાં એક પણ પીપીઈ કિટ નહોતી બનાવવામાં આવતી. , પરંતુ હાલમાં ભારતમાં દરરોજ બે લાખ પીપીઈ કિટ અને બે લાખ એન- 95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. ભારતને આત્મનિર્ભર બનવાની આ તક છે.લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતની જનતાએ લોકલ પ્રોડકટ ખરીદવા પર ભાર મૂકવો પડશે. સ્વદેશમાં બનેલી વસ્તુને ખરીદવાનો નિર્ધાર કરવો પડશે. એનો પ્રચાર કરવો પડશે. ભારતને સ્વાવલંબી બનાવવા માટે આપણે સહુએ સાથેમળીને કાર્ય કરવું પડશે. વડાપ્રધાન મોદીએ લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે અપીલ કરી હતી.