વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નોબેલ પારિતોષિક વિજેતા અભિજિત બેનરજીની મુલાકાત…

0
940

 

   અર્થશાસ્ત્રના વિષયમાં નોંધપાત્ર યોગદાન માટે નોબેલ પ્રાઈઝ મેળવનારા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત લાંબા સમય સુધી ચાલી હતી. મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, મુલાકાત શાનદાર રહી. માનવ સશક્ત્તિકરણ માટે અભિજીતનો ઉત્સાહ સ્પષ્ટ રીતે પ્રગટ થયો. અમારા બન્ને વચ્ચે અનેક મુદા્ઓ પર ચર્ચા થઈ. ભારતને તેમણે આપેલા યોગદાન માટે ગૌરવ છે. ઉજ્જવલ ભવિષ્ય માટે હું તેમને મબલક શુભકામનાઓ પાઠવું છું. 

         અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ એક પત્રકાર પરિષદ દરમિયાન આયુષ્માન ભારત યોજનાની પ્રસંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ યોજનાની અંતર્ગત, વ્યક્તિને પાંચ લાખ રૂપિયાસુધીની મફત સારવાર આપવામાં આવે છે. આપણે એવા ઉપાય શોધવા જોઈએ કે, પરિવારમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેની સારવાર માટે પરિવારે પોતાની સંપત્તિ વેચવી ના પડે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની યોજનાની બહુ જરૂરત હતી. તબીબી સારવાર પાછળ થતો ખર્ચ આખા પરિવારને પાંગળો બનાવી દે છે. 

  તેમણે જણાવ્યું હતું કે, બેન્કિંગ સેકટરની હાલની સ્થિ્તિ ગંભીર ચેતવણીનો સંકેત છે. આપણે તે અંગે ચિંતા કરવાની જરૂરત છે. શરુઆતમાં તો બેન્કનું કામકાજ સરસ કઈ રીતે ચાલતું હોય છે, પણ પાછળથી અચાનક સમસ્યાઓ ઊભી થાય છે. આપણે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાં સરકારની ભાગીદારી ઓછી કરીને 50 ટકાથી નીચે કરવી જોઈએ. એમ કરવાથી બેન્કો પર નિયામક એજન્સીઓનું બિનજરૂરી દબાણ નહિ રહે.