વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ- વિદેશમાં મળેલી ભેટ- સોગાદોનું દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ ખાતે પ્રદર્શન – ઉપહારોના લિલામ – વેચાણ દ્વારા મળનારી રકમ નમામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત, નર્મદાના સફાઈ અભિયાન પાછળ ખર્ચવામાં આવશે.

0
829

         વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટ- સોગાદોના દિલ્હી ખાતે આયોજિત પ્રદર્શનને બહુજ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લોકો આ ઉપહારને ખરીદવામાં બહુજ રૂચિ દાખવી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતીમાં અપાયેલા સંદેશાવાળા મોમેન્ટો માટે એક કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. જેની મૂળ કિંમત માત્ર 500 રૂપિયા જ હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18, 000 રૂપિયાની કિંમતનો ચાંદીનો કળશ ભેટ આપ્યો હતો. જેનું એક કરોડ રૂપિયામાં વેચાણ કરાયું હતું. પોતાના વાછરડાને દૂધ પીવડાવતી ગાયની માત્ર 1500 રૂપિયાની કિંમતની પ્રતિકૃતિ 51 લાખ રૂપિયામાં વેચાઈ હતી. વડાપ્રધાન મોદીને મળેલી કુલ 2,722 ભેટમાં ખંજર, પાઘડીઓ, પેન્ટિંગ, સોલ વગેરે શામેલ છે. જેની મૂળ કિંમત 200 રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધીની છે.રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલની મદદથી પણ ઉપરોક્ત વસ્તુઓનું લિલામ કરવામાં આવી રહ્યું છે. 

    14 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલી આ લિલામી 3 ઓકટોબર સુધી ચાલશે. 20  મોટા ખરીદારોને વડાપ્રધાન મોદી દ્વારા પ્રોત્સાહન પત્ર આપવામાં આવશે. 

 વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે શાસનકાળ દરમિયાન તેમને મળેલા ઉપહારનું પણ લિલામ કરવામાં આવ્યું હતું. જેમાંથી પ્રાપ્ત થયેલી રકમ નર્મદા સફાઈ યોજનાને આપવામાં આવી હતી.