

વડાપ્રધાન નરેનદ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને અવશ્ય બહુમતી મળશે. 26મી મે, 2014ના દિવસે મેં વડાપ્રધાન પદના શપથ લીધા હતા , ત્યારે જ મને મનમાં વિશ્વાસ હતો કે, હું બીજા કાર્યકાલ માટે પરત ફરીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની દરેક ચૂંટણી પ્રચાર- સભામાં અને રેલીમાં હંમેશા મતદાતાઓ એક જ વાત કરતા રહ્યા છે કે, જો તમે સ્થાનિક ભાજપ ઉમેદવારને તમારો મત આપશો તો એનાે મતલબ તમે તમારો મત મને આપી રહ્યા છો. વડાપ્રધાન મોદી વારંવાર આ વાત કહી રહ્યા છે. ભાજપની સરકાર બને તો મોદી જ વડાપ્રધાન બને તે વાત સર્વવિદિત છે, પણ વિરોધપક્ષો પાસે વડાપ્રધાન પદ માટે કોઈ સર્વસંમત ઉમેદવાર હજુ સુધી રજૂ કરવામાં આવ્યો નથી. આથી વિરોધ પક્ષના શંભુમેળામાં કયો નેતા વડાપ્રધાન પદ માટે યોગ્ય ગણાય એ હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી. આથી મોદીની મજબૂત સરકાર જ દેશમાં સુયોગ્ય શાસન ચલાવી શકે એ સહુ માને છે. કદાચ ભાજપના સમર્થકો માટે મોદી જ પહેલી પસંદ બની શકે, પરંતુ અન્ય લોકો માટે પણ કોઈ વિકલ્પની ઉણપની સ્થિતિમાં વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદી જ આખરી પસંદગી બની શકે.