વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 અને 13 જૂને વર્ચ્યુઅલ મિટિંગથી જી-શિખર સંમેલનમાં ભાગ લેશે ..

 

      વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ જણાવ્યું હતું કે, જી-7 શિખર પરિષદના અધ્યક્ષ હોવાને નાતે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને જી-7ના આઉટરિચ સત્રમાં ભાગ લેવામાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું હતું. આ શિખર પરિષદ , 11 જૂન , 12 જૂન અને 13 જૂનના યોજવામાં આવી રહી છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકાને પણ ઉપરોક્ત સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા પ્રાપ્ત અધિકૃત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી બ્રિટન જવાના નથી, પણ તેઓ વર્ચ્યુઅલ પધ્ધતિથી આ સંમેલનમાં જોડાશે. અમેરિકાના પ્રમુખ બન્યા બાદ જો બાયડન પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે બ્રિટન પહોંચી ગયા છે. તેમનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. જી-7 શિખર સંમેલનમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. આ સંમેલનમાં દુનિયાના લોકોને કોરોના વેકસીન ઉપલબ્ધ કરાવવી, વ્યાપાર, જળવાયુ પરિવર્તન સહિત અનેક મહત્વના મુદ્દા અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવશે.