વડાપ્રધાને આંદામાન-નિકોબાર ટાપુઓનું પરાક્રમ દિવસ પર નામ કરણ

 

આંદામાન: પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિગ મારફતે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના ૨૧ સૌથી મોટા અનામી ટાપુઓને ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ આપવા માટે આયોજિત એક સમારંભમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ પર નિર્માણ પામનારાં નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું અનાવરણ પણ કર્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સૌને પરાક્રમ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના પ્રસંગે દેશભરમાં આ પ્રેરક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો માટે ઐતિહાસિક છે. જ્યારે ઇતિહાસ રચાય છે, ત્યારે ભવિષ્યની પેઢીઓ તેને માત્ર યાદ કરે છે, તેની આકારણી કરે છે અને તેનું મૂલ્યાંકન કરે છે, એટલું જ નહીં પણ સાથે-સાથે તેમાંથી સતત પ્રેરણા પણ મેળવે છે. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના ૨૧ ટાપુઓનાં નામકરણ સમારંભ આજે યોજાઈ રહ્યો છે અને હવે તેમને ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ તરીકે ઓળખવામાં આવશે. નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવનનાં સન્માનમાં,  તેઓ જે ટાપુ પર રોકાયા હતા ત્યાં એક નવા સ્મારકનો શિલાન્યાસ થઈ રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, આ દિવસને આઝાદી કા અમૃત કાલના મહત્ત્વપૂર્ણ અધ્યાય તરીકે ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે. 

આંદામાન અને નિકોબાર ટાપુઓના ઇતિહાસ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અહીં સૌ પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો હતો અને ભારતની પ્રથમ સ્વતંત્ર સરકારની રચના થઈ હતી. વીર સાવરકર અને તેમના જેવા અન્ય અનેક વીરોએ આ જ ભૂમિ પર દેશ માટે તપસ્યા અને બલિદાનનાં શિખરને સ્પર્શ કર્યો હતો. આંદામાનની ઓળખ સ્વતંત્રતા સંગ્રામની યાદોને બદલે ગુલામીનાં પ્રતીકો સાથે સંકળાયેલી રહી અને તેમણે કહ્યું હતું કે, આપણાં ટાપુઓનાં નામોમાં પણ ગુલામીની છાપ રહી હતી. પ્રાનમંત્રીએ ચાર-પાંચ વર્ષ અગાઉ ત્રણ મુખ્ય ટાપુઓનાં નામ બદલવા માટે પોર્ટ બ્લેરની તેમની મુલાકાતને યાદ કરી હતી અને માહિતી આપી હતી કે, આજે રોસ ટાપુ નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ બની ગયો છે, હેવલોક અને નીલ ટાપુઓ સ્વરાજ અને શહીદ ટાપુ બની ગયા છે. સ્વરાજ અને શહીદનાં નામ નેતાજીએ પોતે આપ્યાં હતાં, આઝાદી પછી પણ તેમને કોઈ મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું. 

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે ભારતની ૨૧મી સદી એ જ નેતાજીને યાદ કરે છે, જે ભારતની આઝાદી પછી એક સમયે ઇતિહાસનાં પાનાઓમાં ખોવાઈ ગયા હતા. આસમાનને આંબતો ભારતીય ધ્વજ, જે આજે એ જ સ્થળે ફરકાવવામાં આવે છે, જ્યાં નેતાજીએ આંદામાનમાં સૌ પ્રથમ વાર તિરંગો ફરકાવ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે, આ ધ્વજ તમામ દેશવાસીઓનાં હૃદયને દેશભક્તિથી ભરી દે છે, જેઓ આ સ્થળની મુલાકાત લે છે. તેમની યાદમાં જે નવું સંગ્રહાલય અને સ્મારક બનવા જઈ રહ્યું છે, તે આંદામાનની યાત્રાને વધારે યાદગાર બનાવશે. પ્રધાનમંત્રીએ વર્ષ ૨૦૧૯માં દિલ્હીના લાલ કિલ્લા પર જેનું ઉદ્ઘાટન થયું હતું એ નેતાજી મ્યુઝિયમ વિશે પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આ સ્થળ લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયું છે. તેમણે બંગાળમાં તેમની ૧૨૫મી જન્મજયંતિ અને પરાક્રમ દિવસ તરીકે જાહેર થવાના દિવસે યોજાયેલા વિશેષ કાર્યક્રમોની પણ નોંધ લીધી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બંગાળથી લઈને દિલ્હી અને આંદામાન સુધી દેશનો દરેક ભાગ નેતાજીના વારસાને સલામ કરે છે અને તેમની કદર કરે છે.

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંબંધિત કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો, જે આઝાદી પછી તરત જ થવાં જોઇતાં હતાં અને તેમણે જાણકારી આપી હતી કે, છેલ્લાં ૮-૯ વર્ષમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર ૧૯૪૩માં દેશનાં આ ભાગમાં બની હતી અને દેશ તેને વધારે ગર્વ સાથે સ્વીકારી રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, આઝાદ હિંદ સરકારની રચનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થવાં પર દેશે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવીને નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે નેતાજીનાં જીવન સાથે સંબંધિત ફાઈલોને સાર્વજનિક કરવાની માગ દાયકાઓ સુધી હતી અને નોંધ્યું હતું કે, આ કામ સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે આપણી લોકતાંત્રિક સંસ્થાઓ અને કર્તવ્ય પથની સામે નેતાજીની ભવ્ય પ્રતિમા આપણને આપણાં કર્તવ્યોની યાદ અપાવે છે. આઝાદીની લડતને નવી દિશા આપનાર ભૂતકાળના આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની સરખામણી કરવા સાથે પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનનું સમાપન કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર ભવિષ્યમાં દેશના વિકાસને પણ નવી ગતિ આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને વિશ્ર્વાસ છે કે, આપણે એવા ભારતનું નિર્માણ કરીશું કે જે સક્ષમ હોય અને આધુનિક વિકાસની ઊંચાઈઓ સર કરી શકે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને આંદામાન અને નિકોબાર ટાપુઓનાં લેટનન્ટ ગવર્નર એડમિરલ ડી કે જોશી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.