વડાપ્રધાને અભ્યાસની ડિગ્રીઓ જાહેર કરવાની જરૂર નથીઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદઃ વડાપ્રધાનની ડિગ્રીની કોપી માગવાના મામલે ગુજરાત હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે ચીફ ઈન્ફોર્મેશન કમિશનરના આદેશને રદ કર્યો છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો. સાથે જ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન કાર્યાલયે ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર તેમણે ૧૯૭૮માં દિલ્હી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીથી ૧૯૮૩માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટીનો પક્ષ રાખતા કહ્યું હતું કે કેસમાં છુપાવવા જેવું કંઈ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવાનું દબાણ ન કરી શકાય. કાયદાકીય મામલે જાણકારી આપતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચ અનુસાર, સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ કહ્યું, ‘લોકતંત્રમાં એ વાતથી કોઈ ફરક નથી પડતો કે હોદ્દા પર બેસેલો વ્યક્તિ ડોક્ટર છે કે અભણ. આ સિવાય આ કેસમાં જનહિત સાથે જોડાયેલી કોઈ વાત નથી.’ ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૬માં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી અને દિલ્હી ચીફ ઇન્ફોર્મેશન કમિશનરના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હીના ચીફ ઇન્ફર્મેશન કમિશનરે વડાપ્રધાન કાર્યાલયને આદેશ કર્યો હતો કે તે નરેન્દ્ર મોદીની ડિગ્રીના સિરિયલ નંબર સંલગ્ન યુનિવર્સિટીને મોકલાવે. ત્યારબાદ સંલગ્ન યુનિવર્સિટી ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ રહેલા અરજદાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ માહિતી પૂરી પાડે. વડાપ્રધાનની દિલ્હી યુનિવર્સિટીમાંથી કરેલી બેચલર્સની ડિગ્રી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી કરેલી માસ્ટર્સ ડિગ્રીના સિરિયલ નંબર સંદર્ભના યુનિવર્સિટીને મોકલી આપવા પ્રધાન મંત્રી કાર્યાલયને ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે આદેશ કર્યો હતો. આ આદેશને ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો છે. હાઇકોર્ટ સમક્ષ યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે યુનિવર્સિટી એ વિદ્યાર્થી સાથે વિશ્વાસનો સંબંધ ધરાવે છે. આવા સંજોગોમાં કોઈ વિદ્યાર્થીની માહિતી આ રીતે જાહેર કરવી તે ગુપ્તતાના અધિકારનો ભંગ ગણાશે. યુનિવર્સિટીએ દાવો કર્યો કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ યુનિવર્સિટી પક્ષકાર હતી નહીં એટલે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર યુનિવર્સિટીને આ રીતે નિર્દેશ આપી શકે નહીં. સોલિસિટર જનરલે કહ્યું અયોગ્ય માગણી માટે જાણકારી ન આપી શકાય. તેમણે કહ્યું કે, કોઈની અયોગ્ય માગ પૂરી કરવા માટે કોઈ પણ માહિતી ન આપી શકાય. તુષાર મહેતાએ કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે, તેની વડાપ્રધાનની કામગીરી સાથે કોઈ લેવાદેવા નથી.