વડતાલ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કોઠારી વલ્લભસ્વામીનું રાજ્યપાલના હસ્તે સન્માન

વેરાવળઃ વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દસમો પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પદવીદાન સમારંભમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કોઠારી સંત વલ્લભ સ્વામીને સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવાના પ્રયાસ બદલ માનદ્ ડી. લિટ (વિદ્યાવાચસ્પતિની) પદવી એનાયત કરાઈ હતી.
આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, ભાષા અને સંસ્કૃતિ એ આપણા મૂળ છે અને આ મૂળ જ આપણને પોષણ આપે છે. જેવી રીતે ઇઝરાયલે પોતાની મૃતપાય થઈ ગયેલી ભાષા હિબ્રૂને સજીવન કરી એને બોલચાલની ભાષા બનાવી એવી જ રીતે આપણે પણ સંસ્કૃતને બોલચાલની ભાષા બનાવવી જોઈએ.
ડો. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, આ સન્માન મારું નથી, સારાય સંપ્રદાયનું છે. સ્વામિનારાયણ સંપ્રદાયની બન્ને ગાદી અમદાવાદ અને વડતાલ, દેશના સૌપ્રથમ ડો. સંતવલ્લભ સ્વામીએ વિદ્યાવાચસ્પતિની પદવી મેળવતા ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય વતી સંતસ્વામીને સંપ્રદાયનું ગૌરવ વધારવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા.