વડતાલમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ધ્યાનીસ્વામીનું સ્મૃતિપારાયણ

0
958

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો અને આજ્ઞાઓને સમગ્ર જીવન દરમિયાન અક્ષરશઃ પાલન  કરનારા, સંપ્રદાયના મહાન, વિરલ વિભૂતિ સંત પ. પૂ. સદ્ગુરુ ધ્યાનીસ્વામીની દિવ્ય પાવનકારી સ્મૃતિમાં વડતાલમાં પાંચ દિવસીય શ્રીમદ્ સત્સંગી જીવનની દિવ્ય પારાયણનું આયોજન થયું હતું, જેમાં દેશ-વિદેશમાં ફેલાયેલા ધ્યાનીસ્વામીના શિષ્યો, ઘનશ્યામ મહારાજ સેવક મંડળના 17પ કેન્દ્રોમાંથી મોટી સંખ્યામાં શિષ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆતથી માંડીને સમાપન સુધી સતત પાંચ દિવસ સુધી વડતાલધામમાં જાણે કે દિવ્ય અક્ષરધામમાં જ આ સંગ ઊજવાઈ રહ્યો હોય તેવી અનોખી આનંદદાયક અનુભૂરત સર્વે ભાવિકજનો, સંતો, અગ્રણીઓને થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્સવના અંતિમ દિવસે આવ્યા હતા. રૂપાણીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ગુજરાતમાં સતત છઠ્ઠી વાર ભાજપને પ્રજાએ સત્તાનાં સુકાન સોંપ્યાં છે. મુખ્યમંત્રીએ વડતાલધામને રાજ્ય સરકાર તરફથી પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ધ્યાનીસ્વામી સાથેના અંગત અનુભવો વર્ણવતાં કહ્યું કે અપાર સામર્થ્ય અને ઐશ્વર્ય ધરાવતા ધ્યાનીસ્વામીને મળતાં જ અંતરમાં શાંતિ થઈ જતી હતી અને આજે પણ ધ્યાનીસ્વામી પ્રગટ છે, તેની અનુભૂતિ થાય છે.

વડતાલ પીઠાધિપતિ પ. પૂ. ધ. ધૂ. 1008 રાકેશપ્રસાદ મહારાજે તેમના મનનીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પૂ. ધ્યાનીસ્વામી એક બહુ જ મોટા ઉચ્ચતમ આધ્યાત્મિક કક્ષાને પામેલા સિદ્ધ પુરુષ હતા. પૂ. ધ્યાનીસ્વામીએ જીવનભર લોકોના કલ્યાણ અને સંપ્રદાયની સેવાનાં અનેક કાર્યો કરતા રહ્યા હતા. ધ્યાનીસ્વામીએ સત્સંગ સમાજને તેમના કેળવાયેલા, શિસ્તબદ્ધ, આજ્ઞા અને ઉપાસનાનું દઢપાલન કરતા મોટા શિષ્યસમુદાયની અદ્​ભુત ભેટ આપી છે. સમગ્ર ઉત્સવના આયોજક અને વિદ્વાન વક્તા સાહિત્યાચાર્ય સત્સંગભૂષણદાસજી સ્વામીએ કથા દરમિયાન જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવર્ય ધ્યાનીસ્વામીની અપાર કૃપા અને કરુણા આપણા પર વરસી રહી છે. અનેક રોચક સચોટ દષ્ટાંતો આપીને અનેક મુમુક્ષોઓને નિઃશુલ્ક પૂજાપેટી તથા માળા અપાવી હતી અને પૂજા તથા માળા કરતા કર્યા. સદ્ગુણ, સદાચારમય જીવન જીવી મનુષ્યજન્મને સાર્થક કરી લેવા અનુરોધ કર્યો હતો. કથામાં પૂ. પુરાણી ન્યાલકરણદાસજી સ્વામીએ કહ્યું હતું કે પૂ. સ્વામીએ ચંદનની જેમ પોતાની જાત અને સમગ્ર જીવન આપણ્ાા માટે ઘસી નાખ્યું છે ત્યારે તેમણે પ્રવર્તાવેલા સિદ્ધાંતોનું પાલન કરી દેહ અને જીવનું કલ્યાણ કરી લેવું જોઈએ. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ પ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, એસજીવીપીના માધવપ્રિયદાસજી સ્વામી, કુંડળનાં જ્ઞાનજીવનદાસજી સ્વામી, ફરેણીના બાલમુકુંદદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, ધોલેરાના રામકૃષ્ણદાસજીસ્વામી, જેતપુરના નીલકંઠચરણદાસજી સ્વામી તથા અન્ય મૂર્ધન્ય અને વિદ્વાન સંતોએ તેમનાં વક્તવ્યોમાં ધ્યાનીસ્વામી અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ સમર્થ અને ભગવાનની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરનારી નિત્ય મુક્તરૂપ વિરલ વિભૂતિ ગણાવી. ધ્યાનીસ્વામીનાં અનેક ઐશ્વર્યો સદ્ગુણો અને જીવના કલ્યાણ કરવાના સામર્થ્યનું વિસ્તૃત વર્ણન કર્યું હતું.

આ ઉત્સવ દરમિયાન વડતાલમાં સૌપ્રથમ વાર ચાર દિવસીય રોજના 1ર કલાક અખંડ ધ્યાન અને અખંડ તપની માળા (એક પગે ઊભા રહી માળા કરવાની રીત) શિબિર યોજી હતી, જેમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળના સંતો અને ભક્તો હોંશભેર મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય ઉત્સવ ગાદી-પટ્ટાભિષેક, ફૂલડોલોત્સવ, દિવ્ય અભિષેક, દિવાળી ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ, સમૂહમહાપૂજા, શાકોત્સવ સ્ટેજ પર લાઇવ યોજાયા હતા. ઊ

હરિકૃષ્ણ મહારાજ તથા અન્ય દેવોનું 70 કિલો પુષ્પ તથા અન્ય ઉપચારો વડે સતત ત્રણ કલાક સુધી વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિથી રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે સર્વજીવહિતાવહ સ્વામિનારાયણ ગુરુકુળના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુકુળ શિક્ષાનો પ્રભાવ અને યુવાનોમાં સદ્ગુણો વિકસે અને વર્તમાન કળિકાળના દૂષિત વાતાવરણથી દૂર રહે તેવાં નાટકો અને કાર્યક્રમો દ્વારા લોકોનાં દિલ જીતી લીધાં હતાં. ધ્યાનીસ્વામી સ્મૃતિ પારાયણ અંતર્ગત તેમના શિક્ષ્યમંડળ દ્વારા આઠ લાખ બાણુ હજાર દંડવત્, વીસ હજાર પ્રદક્ષિણા, બે લાખ બાર હજાર માળા, અગિયાર લાખ સડસઠ હજાર જનમંગળપાઠ, 1797 વચનામૃત પાઠ, 307 ધ્યાનીસ્વામીની વાતો પાઠ, 19,047 શિક્ષાપત્રી પાઠ, 14પ4 સત્સંગી જીવન ભગવાન સ્વામિનારાયણ તથા ગુરુવર્ય ધ્યાનીસ્વામીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવ્યા હતા.  કાર્યક્રમનું સંચાલન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાના સંચાલક ધર્મરક્ષકદાસજી સ્વામીએ પ્રવાહી અને મનભાવન શૈલીમાં કર્યું હતું. સમગ્ર ઉત્સવનું માણવા કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા અન્ય રાજ્યો ઉપરાંત અમેરિકા, લંડન, ન્યુ ઝીલેન્ડ, સિંગાપુર, જાપાન, દુબઈ, નેધરલેન્ડ, સેશલ્સ, બહેરીન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોગ તથા આફ્રિકાથી બસોથી વધારે એનઆરઆઇ હરિભક્તો આવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here