વડતાલના સરધારના સ્વામિનારાયણ મંદિરના ૫૫ પાર્ષદોને એકસાથે દીક્ષા અપાઈ 

 

વડતાલઃ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં ષટતિલા એકાદશીના દિને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સરધાર સ્વામિનારાયણ મંદિરના મહંત નિત્યસ્વરૂપ સ્વામીના પંચાવન પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. આ પ્રસંગે સ.ગુ.ગોપાળાનંદ સ્વામી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ઘનશ્યામ સ્વામી, સંપ્રદાયના વરિષ્ઠ સંતો, મહંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહૃાા હતા. 

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પાર્ષદોને યજ્ઞોપવીત, કંઠી પહેરાવી કાનમાં ગુરુમંત્ર આપી નવું નામ ધારણ કરાવ્યું હતું. ભાગવતી દીક્ષા બાદ આચાર્ય મહારાજ તેમની સાથે વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત ધર્મભક્તિ વાસુદેવનાં દર્શન કરી સભામાં પધાર્યા હતા. 

કુંડળધામના જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું હતું કે નવદીક્ષિત સંતોએ બોલવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. બોલવામાં સુખ છે અને દુઃખ પણ છે. બોલવામાં આનંદ પણ છે અને સમૃદ્ધિ પણ છે. બોલતા આવડતું હોય તો સુખ પણ મળે અને ન આવડે તો દુઃખ પણ મળે. આજે નિત્યસ્વરૂપ સ્વામીના મંડળમાં પંચાવન નવદીક્ષિત સંતો જોડાયા, જેમાં ૩૫ સંતો સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. તેઓ દેશ-વિદેશમાં ભગવાન શ્રી હરિનાં ચરિત્રો ગાઈ મુમુક્ષોને કામ, ક્રોધ, લોભ, માયામાંથી મુક્ત કરાવી ભગવાનમાં પરોવવાનું કાર્ય કરશે. 

સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ધામમાં એકાદશીનો અલૌકિક દિન છે. આ ક્ષણની કલ્પના નથી કરી શકતો કે આટલું સરળ દશ્ય વડતાલમાં જોઈ શકીશું. ગોપાળાનંદ સ્વામી, શ્રી હરિકૃષ્ણ મહારાજના આનંદનો કોઈ પાર નથી. નિત્યસ્વરૂપ સ્વામીને ભગવાને આપેલી શક્તિ સંપ્રદાયના વિકાસમાં ઉપયોગ કરે અને સત્સંગનો વિકાસ કરે. નિત્યસ્વરૂપ સ્વામીનું મંડળ એ સંપ્રદાયનું બીજા નંબરનું મંડળ છે. તેમણે ૮૫ હરિમંદિરો તૈયાર કર્યાં છે. હાલમાં ભાવનગર તથા મહુવામાં  મંદિરનું કામ ચાલી રહૃાું છે. તેમણે સંપ્રદાયમાં ખૂબ મોટી સેવા કરી છે. 

નિત્યસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે બધી ઘટના ઈશ્વર આધીન હોય છે. હરિ કરે એ બધું સારું કરે. કરતાહર્તા સ્વયં પરમાત્મા છે. હરિની શ્રેષ્ઠ ઇચ્છા કે હરિભક્તોને કેમ રાજી રાખવા. આપણે તો ઠાકોરજીનું સ્મરણ કરવાનું, જેથી તેઓ આપણને ગમે તેવા સંકટમાં પણ માર્ગ બતાવી આપણા માર્ગદર્શક બને છે. 

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે સંપ્રદાયની શોભા સંતો છે. નવદીક્ષિત સંતોને કહ્યું હતું કે તમારે ગુરુની આજ્ઞામાં રહેવાનું છે, મોટેરા સંતોએ જે રીત વર્તાવે છે એ પ્રમાણે તમારે વર્તવાનું છે. નિત્યસ્વરૂપ સ્વામીના મંડળમાં પાંચ ગણા સંતોનો ઉમેરો થતાં તેમની સત્સંગપ્રવૃત્તિ પણ પાંચ ગણી વધી જશે. હરિની મરજીમાં રહેવું અને સતશાસ્ત્રનો નિયમિત અભ્યાસ કરી શ્રીહરિની મૂળ વિચારધારા પ્રમાણે જીવન વિતાવવું. જે નવા સંતોનાં માતા-પિતાએ પોતાના પુત્રરત્નનું દાન કર્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન સહ આશીર્વાદ પાઠવવામાં આવ્યાં હતાં. જિજ્ઞેશદાદાએ જણાવ્યું હતું કે આજના ભાગવતી દીક્ષા મહોત્સવમાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એનો મને આનંદ છે. મહાપુરુષોનો આશય થવો એ પરમાત્માની કૃપા છે. જીવનમાં દુઃખ આવે એ આપણો સ્વભાવ અને પ્રકૃતિ છે. અભાવ અને સ્વભાવ જીવનમાં દુઃખી કરે. પરમાત્માના નામનો આશ્રય લઈએ તો જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. આ પ્રસંગે સંપ્રદાયના સંતો, મહંતોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.