વડગામમાં નવ નિર્મિત રામ અમૃત વનનું અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે લોકાર્પણ

બનાસકાંઠાઃ વડગામ તાલુકાના ધનાલીમાં નવ નિર્મિત રામ અમૃત વનનું લોકસેવક અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધનાલી ગામના યુવાનો દ્વારા 28000 જેટલાં વૃક્ષારોપણ સાથે તેના જતન માટે ડ્રિપ ઇરીગેશન અને તાર ફેન્સીંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગામના યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે યુવાનોના સાથ સહકારથી હરિયાળું બનાસનો સંકલ્પ ચોક્કસ સાકાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કરી બનાસને હરીયાળો બનાવવા અપીલ કરી હતી.
અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ વૃક્ષારોપણ અને વૃક્ષના સંવર્ધનને પરમાત્માનું પવિત્ર કામ ગણાવતા જણાવ્યું કે, ધનાલી ગામના લોકોએ ભેગા મળીને વૃક્ષ ઉછેર માટે આટલું મોટું કામ કરીને આવનારી પેઢીઓને બચાવવાનું અને તેમના ઉજ્જવળ ભવિષ્યનું વાવેતર કર્યું છે. એક સમયે ધન-ધાનના ભંડારવાળો આ વિસ્તાર ધાનધાર પ્રદેશ તરીકે પ્રખ્યાત હતો. અહીંના ચોખામાંથી અલગ પ્રકારની સુગંધ આવતી હતી અને અહીંનો ગોળ રાજસ્થાન સુધી જતો હતો. વૃક્ષોનું પ્રમાણ ઘટતા આજે પાણીના તળ ઊંડા જવાની સાથે આ વિસ્તાર સૂકો થઇ ગયો છે જેના માટે આપણે પણ જવાબદાર છીએ. હવામાંથી કાર્બન ડાયોક્સાઇટ ખેંચી લઈને આપણને શુદ્ધ ઓક્સિજન આપવાનું કામ કરતા પરોપકારી વૃક્ષોને કાપવાથી બીજુ મોટું પાપ કયું હોઈ શકે? એમ જણાવી હરિયાળીના પુન:સ્થાપન માટે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવા જણાવ્યું હતું. વૃક્ષ ઉછેરના પવિત્ર કાર્યને આગળ વધારી જિલ્લાને લીલોછમ્મ-હરિયાળો બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અગ્રણી કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘ, અગ્રણીઓ સર્વ યશવંતભાઇ, ફલજીભાઇ ચૌધરી, પ્રવિણસિંહ રાણા, અશ્વિનભાઇ સક્સેના, બાલકૃષ્ણ જીરાલા, સરપંચ સૂર્યાબા દિલીપસિંહ રાજપૂત, પ્રાંત અધિકારી પી. સી. દવે, બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.