લ્યુકેમિયાવિરોધી ઝુંબેશમાં માનુષી છિલ્લર ‘આપી’નાં બ્રાન્ડ એમ્બેસેડર

ન્યુ યોર્કઃ લ્યુકેમિયા અને લીમ્ફોમા વિરુદ્ધની ઝુબંશમાં મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અમેરિકન એસોસિયેશન ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી)નાં બ્રાન્ડ એમ્બેસેડર બનશે. ‘આપી’ના આયોજકોએ એક અખબારી યાદીમાં આ માહિતી આપી હતી.
‘આપી’માં એક લાખથી વધુ ભારતીય મૂળના ફિઝિશિયનો છે.

‘આપી’ના પ્રેસિડન્ટ ડો. ગૌતમ સમાદરે જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના ફ્રીમોન્ટમાં ‘આપી’ની વાર્ષિક સ્પ્રિન્ગ ગવર્નિંગ બોડીની બેઠક દસમી માર્ચે યોજાઈ હતી, જેમાં લ્યુકેમિયા એન્ડ લીમ્ફોમા સોસાયટી ઓફ અમેરિકાને મોટી રકમ દાનમાં આપવામાં આવી હતી. લ્યુકેમિયા અને લીમ્ફોમા વિરુદ્ધની ચળવળના સત્તાવાર લોન્ચિંગ દરમિયાન આ જાહેરાત કરાઈ હતી.

જાણીતા દાતા અને ‘આપી’ના પાસ્ટ પ્રેસિડન્ટ ડો. વિનોદ શાહે જણાવ્યું હતું કે આ ઉમદા હેતુ અને યોજનાને સહાયરૂપ થવાનું જારી રાખતાં, આપી સંસ્થાએ વધુ એક ઉમદા હેતુ માટે આ પગલું લીધું છે, જે આ જીવલેણ રોગ વિશે લોકોને દુનિયાભરમાં માહિતગાર કરવા ઉત્તેજન આપશે.
ડો. વિનોદ શાહે આપી દ્વારા પૂરા પાડવામાં આવેલી નાણાકીય સહાય જેટલી જ રકમ આપવા સંમત થયા હતા, આમ આ કાર્યક્રમમાં આપી દ્વારા બમણું દાન પ્રાપ્ત થયું છે.

આ કાર્યક્રમમાં કેટલું દાન એકઠું થયું છે તેની રકમ ઉપલબ્ધ થઈ શકી નહોતી.
‘આપી’ના ચૂંટાયેલા પ્રમુખ ડો. નરેશ પરીખે જણાવ્યું હતું કે આ ઝુંબેશમાં ‘આપી’નાં બ્રાન્ડ એમ્બેસેડર મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બનશે. માનુષી છિલ્લર ડોક્ટરો અને વિજ્ઞાનીઓના પરિવારમાંથી આવેલાં છે અને પોતે ગાયનેકોલોજિસ્ટ-કાર્ડિયાક સર્જન બનવા માગે છે, જેમણે ‘આપી’નાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા સંમતિ દર્શાવી છે. માનુષી છિલ્લરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મને આ તક મળવા બદલ હું આભારી છું. હું મારું શ્રેષ્ઠ પ્રદાન કરવા આતુર છું. મેં મારા મેડિકલ સ્ટડીમાંથી એક વર્ષનો વિરામ લેવાનો નિર્ણય કર્યો છે. મારી કોલેજ મને ખૂબ સહાયરૂપ થાય છે.
છિલ્લર પોતાના પ્રોજેક્ટ ‘શક્તિ’ દ્વારા મહિલાલક્ષી સમસ્યાઓ પર ભાર મૂકવા માગે છે.