લોસ એન્જલસમાં એશિયન ઇન્ડિયન સિનિયર એસો. દ્વારા વેલેન્ટાઇન ડે ઊજવાયો

લોસ એન્જલસઃ લોસ એન્જલસના પાયોનિયર બુલો. આર્ટિશિયામાં એશિયન ઇન્ડિયન સિનિયર એસોસિયેશન (આઇસા) દ્વારા વેલેન્ટાઇન ડે ઊજવવામાં આવ્યો હતો.

કેલિફોર્નિયાની સૌથી જૂની સિનિયરો માટેની સંસ્થા ‘આઇસા’ દ્વારા વેલેન્ટાઇન ડે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઊજવાઈ ગયો. આ માટે અહીંની હિમાલયા રેસ્ટોરાંમાં ખાસ વિશાલ ઇલાહાબાદી એન્ડ પાર્ટીનો ગીત-સંગીતના જલસાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સાથે પ્રીતી ભોજનનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું.
લગભગ 175 સિનિયર ભારતીય ભાઈ-બહેનોએ પરસ્પર વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રારંભે સંસ્થાના ઉપપ્રમુખ જય શાહે પ્રસંગોચિત આવકાર આપ્યો હતો, પૂર્વ પ્રમુખ નરેશ પટેલે કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. રાજુ ઠાકરે વ્યવસ્થાપકોનો વિશેષ પરિચય આપ્યો હતો.


પ્રમુખ જિતુભાઈ પટેલે સૌ આમંત્રિતોને વ્યક્તિગત મળીને અભિનંદન પાઠવ્યાં હતાં. સભ્ય સિદ્ધાર્થ શાહના જન્મદિવસ નિમિત્તે સિંગર વિશાલ દ્વારા મુબારક સોન્ગ રજૂ કરી સૌને આનંદિત કરી જન્મદિનની વધાઈ પાઠવી હતી. જલસાની શરૂઆત ભારતીય રાષ્ટ્રગીત ‘જન ગણ મન’થી કરી હતી. ત્યાર પછી સ્ટેજનો દોર વિશાલ, મીરા અને ઋષિ ઠાકરે સંભાળ્યો હતો અને જૂની હિન્દી ફિલ્મોનાં સદાબહાર ગીતોની રસલહાણ પીરસીને વેલેન્ટાઈન ડેની ઉજવણીને ચાર ચાંદ લગાવી સભ્યોની દાદ મેળવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદ પટેલ, અમરત પટેલ, સુભાષ ભટ્ટ, સવાઈલાલ મોદીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.