લોર્ડ્સમાં તિરંગો લહેરાયોઃ ભારતે ઇંગ્લેન્ડને ૧૫૧ રને હરાવ્યું

 

લંડનઃ લોર્ડ્સ ટેસ્ટમાં ભારતે ઇતિહાસ રચીને ઇંગ્લેન્ડ સામે ૧૫૧ રને જીત મેળવી હતી. શ્રેણીમાં હવે ભારત ૧-૦થી આગળ થઇ ગયું છે. ભારતની આ રોમાંચક જીતમાં કે. એલ. રાહુલ, અજીંકેય રહાણે, ચેતેશ્વર પૂજારા અને ઝડપી બોલરો ઉપરાંત શમી અને બુમરાહ વચ્ચેની ભાગીદારી મુખ્ય રહી હતી. 

ભારતે ઇંગ્લેન્ડને જીત માટે ૨૭૨ રનનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ ઇંગ્લેન્ડનો બીજો દાવ ૧૨૦ રને જ સમેટાઇ ગયો હતો. લોર્ડ્સના ઇતિહાસમાં આ ત્રીજી વખત છે, જેમાં ભારતીય ટીમને જીત મળી હોય. આ પહેલાં ૨૦૧૪માં ધોનીની કપ્તાનીમાં લોર્ડ્સનાં મેદાન પર ૯૫ રનથી જીત મળી હતી. ૧૯૮૬માં ભારત આ મેદાન પર કપિલદેવની કપ્તાનીમાં પહેલી વખત જીત્યું હતું. બીજી ટેસ્ટ આરંભથી જ રોમાંચક રહી હતી. ભારતનો બીજો દાવ પણ એક તબક્કે ઝડપથી પડતી વિકેટોને કારણે વહેલો સમેટાય તેવું લાગતું હતું પરંતુ શમી-બુમરાહ જામી જતાં ટીમ મજબૂત સ્થિતિમાં મુકાઇ હતી. 

છેલ્લા દિવસે પણ ઇંગ્લેન્ડની વળતી લડતે ભારતના હાથમાંથી મેચ સરકતી જણાઇ હતી ત્યાં જ બોલરોનાં આક્રમણે ફરી બાજી પલટી હતી. ઉલ્લેખનીય છે કે, જશપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની લડાયક ઈનિંગના જોરે ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચના પાંચમા દિવસે ૨૯૮ રને ઈનિંગ ઘોષિત કરી હતી. જેમાં શમીએ અર્ધસદી ફટકારી હતી. જ્યારે બુમરાહે મહત્ત્વના ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. ત્યાર બાદ મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની પહેલી પાંચ વિકેટ ધડાધડ પડી જતા ઈંગ્લેન્ડ માટે મુશ્કેલી ઉભી થઈ હતી. 

બુમરાહ, સિરાજ અને ઈશાન્ત શર્માએ ઈંગ્લિશ બોલરોએ મેદાનમાં સેટ થવાની તક આપી નહોતી અને ૯૦ રનમાં સાત વિકેટ ગુમાવી હતી. જો કે બટલરે એક છેડો સાચવી રાખ્યો હતો. બટલરની વિકેટ ગુમાવ્યા બાદ મેચ લાંબી ચાલી ન હતી અને ઈંગ્લેન્ડ ૧૨૦ રને ઓલઆઉટ થયું હતું. આ સાથે જ ભારતે ૧૫૧ રને જીત મેળવી લીધી હતી. ભારતની જીતના હિરો ઝડપી બોલરો રહ્યા હતા. જેમાં સિરાજે કુલ ચાર વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહને ત્રણ વિકેટ મળી હતી. આ ઉપરાંત ઈશાન્ત શર્માએ બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી. એક સમયે ૧૬૭ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ કમજોર સ્થિતિમાં આવેલી ભારતીય ટીમને રહાણે, શમી અને બુમરાહે સંભાળી હતી અને ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ૮ વિકેટે ૨૯૮ રન કરીને બીજી ઈનિંગ ઘોષિત કરી હતી. 

શમી અને બુમરાહની ભાગીદારીએ ભારતીય ટીમને મજબુત સ્કોર સુધી પહોંચાડી હતી અને ઈનિંગ ઘોષિત કરી ત્યારે શમી ૫૬ રન અને બુમરાહ ૩૪ રને નોટઆઉટ રહ્યા હતા. અંતિમ વિકેટ માટે શમી અને બુમરાહની બેટિંગે ઈંગ્લેન્ડના બોલરોને ખુબ પરેશાન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધારે ત્રણ વિકેટ માર્ક વુડે લીધી હતી. જ્યારે રોબિન્સન અને મોઈન અલીને બે બે વિકેટ મળી હતી. આ ઉપરાંત સેમ કુર્રને એક વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમની ભારતીય બોલરોએ કમર તોડી નાખી હતી. જેમાં પહેલી જ ઓવરમાં રોરી બર્નસને પેવેલિયન ભેગો કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં ડોમિનિક સિબલેની વિકેટ પડી હતી. ઈંગ્લેન્ડનો શિર્ષ બેટિંગ ક્રમ ભારતીય બોલરો સામે ટકી શક્યો નહોતો અને માત્ર ૬૭ રનના સ્કોરે ઈંગ્લેન્ડે પાંચ બેટ્સમેન ગુમાવી દીધા હતા. જો રૂટે ઈંગ્લેન્ડનો રકાસ રોકવાનો પ્રયાસ કરતા ૩૩ રન કર્યા હતા. જો કે બુમરાહે મહત્ત્વની વિકેટ ઝડપી ઈંગ્લેન્ડની સ્થિતિ વધુ મુશ્કેલ બનાવી દીધી હતી. જો કે એક છેડે જોસ બટલરે હાર ટાળવાનો પ્રયાસ જારી રાખ્યો હતો. આ દરમિયાન બીજા છેડે વિકેટનું પતન યથાવત રહ્યું હતું. ઈંગ્લેન્ડના ત્રણ બેટ્સમેન શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા હતા.