લોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા


(ડાબે) તાજેતરમાં આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા યોજાઈ હતી. સભામાં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખ બકુલ માટલિયા, પ્રમુખ વિજય શાહ, સિનિયર કન્વીનર જયંતીભાઈ શાહ અને આમંત્રિત મહેમાનો. (જમણે) લોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો અને સફોક વરિષ્ઠ નાગરિક સલાહકાર બોર્ડના સભ્યો કન્વીનર જયંતીભાઈ શાહ, ભૂતપૂર્વ પ્રમુખ બકુલ માટલિયા, પ્રમુખ વિજય શાહ, લેડીઝ વિંગનાં ડાયરેક્ટર તેજલ રાવલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ.

લોન્ગ આઇલેન્ડઃ તાજેતરમાં બ્લુ પોઇન્ટ હોલમાં લોન્ગ આઇલેન્ડ ગુજરાતી સમાજ અને સફોક સિનિયર ફોરમની સંયુક્ત સભા યોજાઈ હતી.
કાર્યક્રમમાં લંચ પછી અન્નદાન ભેગું કરાયું હતું. ટેક્સાસની સ્કૂલમાં ગોળીબારમાં માર્યા ગયેલા નિર્દોષ વિદ્યાર્થીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને મૌન પાળવામાં આવ્યું હતું. મે માસમાં આવતી સભ્યોની જન્મતિથિ અને લગ્નતિથિની ઉજવણી સંગીતમય વાતાવરણમાં કરવામાં આવી હતી. અંબુભાઈની 50મી લગ્નતિથિ હોવાથી તેમના કુટુંબના સભ્યો હાજર હતા તે સૌનો ખાસ ઉલ્લેખ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને દર માસે સભામાં હાજર રહેવાનું આમંત્રણ ફોરમના કન્વીનર જયંતીભાઈએ આપ્યું હતું.
સમાજના પ્રમુખ વિજયભાઈએ આ વર્ષના આગામી તહેવારોની માહિતી આપી હતી.
સમાજના ભૂતપૂર્વ પ્રમુખ બકુલભાઈ માટલિયાએ મે માસમાં આવતા રાષ્ટ્રીય તહેવારો, જેવા કે મધર્સ ડે અને વેટરન્સ મેમોરિયલ ડે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા તેની વિશદ માહિતી આપી હતી. સભાના સૌ ઇન્ડિયન અમેરિકનોને મેમોરિયલ ડેની ઉજવણીમાં ભાગ લેવા તથા દેશની સેવામાં બલિદાન આપનારા સૈનિકોની યાદમાં યથાશક્તિ ફાળો આપવા માટે સૌ સભ્યોને અનુરોધ કર્યો હતો. બકુલભાઈએ તાજેતરમાં જૈન મંદિરમાં યોજાયેલી સર્વ ધર્મની સભાની મુલાકાતની વાત કરી હતી. આ પ્રસંગે સર્વ ધર્મના લોકો હાજર રહ્યા હતા. જયંતીભાઈએ કહ્યું કે આરબોનું ગ્રુપ જે ભારત જઈ ત્યાંનાં હિન્દુ મંદિરોમાં જઈ સુંદર ભજનો ગાય છે તેનો નિર્દેશ કરતાં આવી પ્રેરણાદાયક ઘટનાઓથી એકમેકના ધર્મોની બીજા ધર્મના લોકોને માહિતી મળે તો આતંકવાદનો ઉપાય મળે. જયંતીભાઈએ એક શાયરની શાયરી રજૂ કરી હતી. લગ્નજીવનની બે અવસ્થાઓ – સહજીવન અને એક પાત્રની વિદાય પછીનું જીવન – એ બેની વાત કરતાં કેટલાક આવી સ્થિતિમાં પસાર થતા સભ્યોની આંખો ભીની થઈ ગઈ હતી. સભાના બીજા ચરણમાં સમાજની સામાન્ય સભા યોજાઈ હતી. સમાજના મંત્રી પરેશભાઈએ તેની કાર્યવાહી સંભાળી હતી. સમાજના પ્રમુખ વિજયભાઈએ સમાજની ગયા વર્ષની અને આ વર્ષમાં થવાની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો હતો. ફોરમના કન્વીનર જયંતીભાઈને ફોરમની મહિલા પાંખનાં સંચાલિકા તેજલબહેને તેમની વિન્ગની માહિતી આપી હતી. સમાજના ખજાનચી સુરેશભાઈએ ગયા વર્ષનો નાણાકીય હિસાબ આપ્યો હતો. સમાજના ઉપપ્રમુખ ભદ્રેશભાઈએ આભારવિધિ કરી હતી.
ત્યાર બાદ વિજયભાઈએ ડાયરાનો રંગ જમાવ્યો હતો. ફોટોગ્રાફી સુરેશભાઈએ અને આભારવિધિ ફોરમ તરફથી હરેશભાઈએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here