લોન્ગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી દ્વારા પિકનિકનું આયોજન


લોન્ગ આઇલેન્ડઃ સફોકમાં આવેલા બેલ્મોન્ટ લેઇક સ્ટેટ પાર્કમાં લોન્ગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી દ્વારા વાર્ષિક પિકનિકનું આયોજન 22મી જુલાઈ, રવિવારે સવારે 11થી સાંજના છ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું.
હવામાન પ્રતિકૂળ હોવાની પૂરી સંભાવના હોવા છતાં પણ સંસ્થાના પ્રમુખ વિજયભાઈ શાહે પિકનિક કરવાનો નિર્ણય લીધો હતો. પિકનિકમાં 130 લોકોએ ભાગ લીધો હતો. નાસ્તા, લંચ, અંતકડી, ઊભી ખો જેવી રમતોની શરૂઆત બહેનોએ કરી. ભાઈઓએ ક્રિકેટ, વોલીબોલ, મ્યુઝિકલ ચેર જેવી રમતો રમી. પિકનિકમાં જેમ જેમ સંખ્યા વધતી ગઈ તેમ તેમ બહેનો અને બાળકો ત્રણપગી, દોરડાંખેંચ, લીંબુ ચમચા જેવી રમતો રમ્યાં.
સિનિયર સિટિઝન ભાઈ-બહેનોએ રમતો ઉપરાંત એકબીજાની સાથે હળવામળવાનો આનંદ લીધો. આ વખતની પિકનિક માત્ર સભ્યો પૂરતી જ મર્યાદિત ન રાખતાં સૌને માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. સૌને આનંદ કરવાની છૂટ હતી. સૌએ પિકનિકની વ્યવસ્થાની ભારોભાર પ્રશંસા કરી. આ પિકનિકમાં નામાંકિત વ્યક્તિઓ હાજર રહી હતી. રસિકભાઈ દેસાઈ, ગુજરાત રાજ્યના નિવૃત્ત આસિસ્ટન્ટ ઞ્ય્શ્ઞ્ કમિશનર, જે લેખક અને કવિ પણ છે તેમ જ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા સેવાભાવી જયેન્દ્ર શાહ હાજર રહ્યા હતા. સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈને તેઓએ ન્યુ યોર્ક સિટીના પ્રવાસ, સિટીની આસપાસ ક્રુઝ પર, તેમ જ ક્યારેક હિન્દી ફિલ્મોનો લાભ સિનિયર સિટિઝન (સફોક)ને આપવા જરૂરી મદદ કરવા તૈયારી બતાવી એનાથી સૌને ખુબ આનંદ થયો.
પિકનિક ખૂબ જ સફળ રહી તેનો યશ સંસ્થાના પ્રમુખ વિજયભાઈ શાહ તથા કારોબારીના સભ્યોને જાય છે. નાદુરસ્ત તબિયત હોવા છતાં સુરેશભાઈ ઉદ્દેશી કામમાં વ્યસ્ત રહી ગોપીબહેન સાથે ફોટોગ્રાફી સંભાળી.