લોન્ગ આઇલેન્ડમાં સફોક સિનિયર ફોરમ દ્વારા આયોજિત હોળી ઉત્સવ

0
816


(ડાબે) આઠમી એપ્રિલે સફોક સિનિયર ફોરમની સભા બ્લુ પોઇન્ટ હોલમાં મળી હતી. તસવીરમાં પાસ્ટ પ્રેસિડન્ટ બકુલ માટલિયા, હરેશભાઈ શેઠ, ગોપી ઉદ્દેશી, ડો. ભાલોદકર, કન્વીનર જયંતીભાઈ શાહ અને અન્ય ઉપસ્થિત મહાનુભાવો. (જમણે) ફોરમના સભ્યો પ્રવચન સાંભળી રહ્યા છે.

લોન્ગ આઇલેન્ડઃ આઠમી એપ્રિલે સફોક સિનિયર ફોરમની સભા બ્લુ પોઇન્ટ હોલમાં મળી હતી ત્યારે ડો. નરેન્દ્ર ભાલોદકરની ખૂબ જ સુંદર વિવિધતાપૂર્ણ ઓડિયો વિઝ્યુઅલ રજૂઆત માણવાનો લહાવો મળ્યો હતો. આ માસમાં આવતી સભ્યોની જન્મતિથિ અને લગ્નતિથિની ઉમંગભેર ઉજવણી કરી હતી. સંસ્થાના કન્વીનર જયંતીભાઈ શાહે આ પ્રસંગે આવેલા અનેક અતિથિઓનું સ્વાગત કરી દર મહિને ભાગ લેવા અનુરોધ કર્યો હતો. ડો. નરેન્દ્રભાઈની રજૂઆત કેટલી તૈયારી મીગી લે છે તેનો ખ્યાલ આપતાં તેઓ એક જ પ્રવચન ફરીથી આપવાનું હોય તો પણ તેની નવેસરથી જ તૈયારી કરે છે, જે તેમના પ્રવચનની સફળતાનું રહસ્ય છે.
ડો. નરેન્દ્રભાઈએ તેમની રજૂઆત ગણેશવંદનાથી કરી. એમને આ ધાર્મિક વાતો ખૂબ ગમે છે એટલે તેઓ ગમતાનો ગુલાલ કરે છે. ગમ્મત કરતાં તેઓ કહે કે રજૂઆતને દાદ ન મળે તો સાલું લાગી આવે. તેમના હોળી પરનાં ગીતે ગીતે તાળીઓથી ખંડ ગાજી ઊઠતો હતો. હોળીમાં ઊંચ-નીચ, ગરીબ-ધનિક, નાના-મોટાના ભેદ ભૂલી વિન્ટરને ભૂલી વસંતને વધાવવાનો ઉત્સવ એટલે હોળી!
હોળીના ઉત્સવનું પગેરું બતાવતાં ઠેઠ હિરણ્યકશ્યપ સુધી સભાને લઈ ગયા. હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુનો દુશ્મન. તેનો પુત્ર પ્રહ્લાદ ભગવાનનો પરમ ભક્ત. તેને શિક્ષારૂપે ખૂબ જ ગરમ સ્તંભને ભેટવા કહ્યું. ભગવાન સર્વત્ર છે તે બતાવવા પ્રહ્લાદ સ્તંભને ભેટે છે અને ત્યારે ભક્તને બચાવવા ભગવાન નરસિંહરૂપે જન્મ લે છે તે વિગતે સંગીતની સુરાવલીમાં સમજાવ્યું. પ્રહ્લાદની ફોઈ હોલિકા તેને લઈને ચિતામાં પ્રવેશે છે. હોલિકા બળી જાય છે, જ્યારે પ્રહ્લાદને પ્રભુ બચાવી લે છે અને ત્યારે લોકો રંગ, ગુલાલ ઉડાવી ઉત્સવ મનાવે છે, જેમની પાસે રંગ, ગુલાલ નહોતા તેઓ ધૂળ અને કાદવથી તેમનો આનંદ વ્યક્ત કર્યો. આમ હોળી અને ધુળેટીનો ઉત્સવ અસ્તિત્વમાં આવ્યો.
હિરણ્યકશ્યપ એ અહંકારનું રૂપક છે. તેની પાસે ઘણાં આરક્ષણો હતાં. તે ઘર કે ઘરની બહાર, દિવસે કે રાત્રે, કોઈ પણ હથિયાર કે શસ્ત્રથી, માનવી કે પશુથી, જમીન પર કે આકાશમાં, કોઈ તેને મારી નાખી શકશે નહિ. નરસિંહ – ના નર કે ના પશુ, સંધ્યાકાળે – નહિ દિવસ કે નહિ રાત, જમીનથી ઊંચે – નહિ જમીન કે આકાશ, ઉંબરા પર – નહિ ઘર કે બહાર, તીક્ષ્ણ નખ – નહિ હથિયાર કે શસ્ત્રથી હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો.
આ કથાનો બોધ એ છે કે અહંકાર કોઈનો ટકતો નથી. અહંકારને ગમે તેટલું રક્ષણ મળે, પણ તેનો વિનાશ છે જ.
પ્રહ્લાદના પાત્રથી એવું બતાવાયું છે કે પ્રભુ ભક્તિ, પ્રભુનું નામસ્મરણ એ અહંકાર નિર્મૂળ કરવાનો ઉપાય છે. એક વાર અહંકાર દૂર થાય એટલે પ્રભુ વિશુદ્ધ થયેલા ને – રાવણ, હિરણ્યકશ્યપ, કે શિશુપાલનો ઉદ્ધાર કરે છે. ડો. નરેન્દ્રભાઈનું ઓડિયો-વિઝ્યુઅલ પ્રસંગને અનુરૂપ સુગમ સંગીતથી કાર્યક્રમ સૌએ એટલું માણ્યું કે બે કલાક સુધી બધા જ સંપૂર્ણ શાંતિથી બેસી રહ્યા હતા. (અહેવાલઃજયંતીભાઈ શાહઃ કન્વેનરઃ સફોક સિનિયર ફોરમ)