લોથલ મ્યુઝિયમઃ સિંધુ સંસ્કૃતિના અવશેષો

0
2121

સિંધુ ખીણસંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં જોવા મળે છે. એ વખતના લોકોની રહેણીકરણી, નગરઆયોજન, વપરાશનાં વાસણો, આભૂષણો વગેરેના નમૂનાઓ ઐતિહાસિક વારસો તો છે જ, પરંતુ હજારો વર્ષ પહેલાં પણ લોકોની રહેણીકરણીમાં જે કૌશલ્ય વિકસેલું હતું તે પણ દર્શાવે છે. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિનું આવું જ એક કેન્દ્ર લોથલમાં છે. આવો તેના વિશે જાણીએ
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું સરગવાલા ગામ. તેની સીમમાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે આવેલું છે લોથલ, જે અમદાવાદથી 80 કિ.મી. દૂર છે. એક સમયે આ સ્થળેથી દરિયો પાંચ કિ.મી. દૂર હતો. હાલ 18 કિ.મી.થી પણ વધુ દૂર છે. 1954ના નવેમ્બરમાં આ સ્થળ શોધવામાં આવ્યું અને 1955થી 1962 સુધી ત્યાં ડો. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે ખોદકામ કરવામાં આવ્યું. ઉત્ખનન દરમિયાન મળેેલા અવશેષોનો સંગ્રહ અને જાળવણી સ્થળ ઉપર જ સંગ્રહાલય ઊભું કરીને કરવામાં આવેલાં છે.
સ્થાપનાઃ 1977માં ભારત સરકારના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાપના કરવામાં આવી તેમ જ સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે.
સંગ્રહઃ લોથલવાસીઓએ વિવિધ કલાઓ અને હુન્નરોના ક્ષેત્રે ઘણી ગતિ કરી હતી. શિલ્પકામ, કુંભારકામ, ધાતુવિદ્યા, સોના-ચાંદીના દાગીનાઓનું નકશીકામ વગેરેમાં તેમની કુશળતાનાં દર્શન થાય છે. કાંસાના ઢાળાનું કામ પ્રચલિત હતું. સંગ્રહાલયમાં પથ્થરિયાં મોતી, આભૂાણો, મુદ્રાઓ અને મહોર, તાંબા-કાંસાની વસ્તુઓ, પથ્થરનાં ઓજારો, છીપ-શંખની વસ્તુઓ, માટીનાં વાસણો, રમતગમતની વસ્તુઓ, વજન અને માપનાં સાધનો, ધાર્મિક વિધિની વસ્તુઓ, ભૂમિદાહ સંસ્કારનાં પાત્રો, ચિત્રિત માટીનાં વાસણો મુખ્ય છે.
મ્યુઝિયમમાં લોથલ નગરની નાની પ્રતિકૃતિ બનાવીને મૂકેલી છે. તે જોતાં તત્કાલીન નગરરચનાનો ખ્યાલ અહીં આવતા દર્શકોને થાય છે. એક જ કબરમાં બે વ્યક્તિઓને દફનાવી હોય તેવી કેટલીક કબરો પણ અહીંથી મળી આવી છે, જેને પ્રતિકૃતિ તરીકે અહીં દર્શાવેલી છે. આ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા અવશેષો અને અવશેષોની પ્રતિકૃતિઓ જોતાં દર્શકને લોથલની આદ્યઐતિહાસિક કાલીન સમગ્ર સંસ્કૃતિનો ખ્યાલ આવે છે.
લોથલની સુસંસ્કૃત પ્રજાની વિજ્ઞાનદષ્ટિ અને જીવનમાં તેની ઉપયોગિતા વિશે આ સંગ્રહાલય જાણકારી આપે છે. તેમની માપન પદ્ધતિનો વિકાસ, જેમાં જથ્થો, ઊંચાઈ, સમય અને વજનનાં એકમો પણ નક્કી કર્યા હતાં, જે સંગ્રહમાં જોઈ શકાય છે. વળી તાંબા ને કાંસાના નમૂના જોતાં જણાયું કે તે તાંબું 100 ટકા શુદ્ધ છે. શંખજીરામાંથી બનાવાતી મુદ્રાઓ હડપ્પાકાળની પરિપકવતા દર્શાવે છે. ભારતીય પુરાતત્ત્વ ખાતા દ્વારા સંચાલિત આ સંગ્રહાલય ધંધૂકાથી ભાવનગરના રસ્તે આવે છે.
સંપર્કઃ લોથલ પુરાતત્વીય સંગ્રહાલય, લોથલ-ભુરખી, જિ. અમદાવાદ-382230 .
ફોનઃ 02714-294274
સમયઃ મ્યુઝિયમ શુક્રવાર સિવાય રોજ સવારે
10થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
મ્યુઝિયમમાં નાનકડું પુસ્તકાલય તેમ જ પુરાતત્ત્વીય સ્મારકોનાં પ્રકાશનોનું વેચાણ કેન્દ્ર આવેલું છે.
વેબસાઇટઃ રૂરૂરૂ.રૂજ્ઞ્ત્ત્જ્ઞ્ષ્ટફૂફુજ્ઞ્઱્ી.ંશ્વરં

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here