લોકો આપણા વિશે ઘણું બધું જાણતા હોય છે, પરંતુ એને વ્યક્ત કરવામાં મોડું કરતા હોય છે

0
1167

હમણાં એક મિત્રને રમતગમતના ક્ષેત્રમાં રાજ્ય કક્ષાનો પુરસ્કાર મળ્યો અને અસંખ્ય લોકોના અભિનંદન માટેના ફોન આવ્યા. ઘણાએ રૂબરૂમાં પણ ખુશી વ્યક્ત કરી. આ તો સામાન્ય બાબત ગણી શકાય, પરંતુ એમને એવા માણસોએ પણ દાદ આપી કે જે સતત તેમના પરિચયમાં રહેવા છતાં કોઈ દિવસ એમના આ શોખ બાબતે ભૂલેચૂકેય કશું બોલ્યા નહોતા. અર્થાત્ સામાન્ય સંજોગોમાં એમણે ક્યારેય આ મિત્રને પ્રોત્સાહક વાણીનો લાભ આપ્યો નહોતો, પરંતુ એક સફળ કદમ ભરવાના કારણે આવા લોકો પણ કહી રહ્યા હતા. એ તો અમે પણ જાણતા હતા કે આ માણસ સાચો છે, આ વિષયનો જાણકાર છે.
અંગ્રેજીમાં એક કહેવત છે, સફળતાને સાત બાપ હોય છે અને નિષ્ફળતા નિરાધાર હોય છે. આપણે સૌ વ્યવહારકુશળ માણસો છીએ. વાણીનો ઉપયોગ પણ આપણે ચલણી નાણાંની જેમ કરીએ છીએ. આપણી કોઈ પણ અભિવ્યક્તિની પાછળ ચોક્કસ ગણતરી રહેલી હોય છે. જગતમાં આવા વ્યવહારો સામાન્યપણે ચાલે છે. અને અમુક વ્યક્તિઓ તો આવી કળામાં માહિર પણ હોય છે. લોકો તેને ઓછાબોલા કે ઠાવકા કે વ્યવહારકુશળ વ્યક્તિ જેવા ઇલકાબો પણ આપે છે. આ બાબતે વિશેષ નથી કહેતા, એટલું જરૂર કહી શકાય કે ભલે જીવનવ્યવહાર આ રીતે જ ચાલતો હોય, પરંતુ આ પ્રકારનો વાણીનો સંયમ અથવા તો મિતભાષીપણું કોઈ વિશેષ સંસ્કારરૂપ બાબત નહિ બનતાં માત્ર વ્યવહારિકતા બની જતી હોય છે.
આનો અર્થ એવો નથી કે, આપણે સતત વ્યક્ત થતા રહેવું અથવા તો બિનજરૂરી રીતે હરખપદૂડા થઈ દરેક બાબતે આપણા ભાવો પ્રગટ કરતાં રહેવું. ઓછાબોલા હોવું કે મિતભાષી હોવું એ આમ જોઈએ તો સદ્ગુણોની યાદીમાં આવે તેવી બાબત છે, પરંતુ અહીં જે હકીકત છે એમાં કોઈકની સારી બાબત કે સારા પ્રયત્નો ન જોઈને જાણીબૂજીને એ બાબતે મૌન રહેવું કે મર્યાદિત રહેવું એ બાબત ઉપર ચર્ચા કરવાનો ઉપક્રમ છે. આપણે સૌ સામાન્ય રીતે કોઈકની સારી લાગતી બાબત ઉપર સમયોચિત લાગણીનો ઉમળકો અભિવ્યક્ત કરી શકતા નથી. આ બાબતે એવું ના કહી શકાય કે આમાં આપણા મનમાં કોઈના વિશે ઈર્ષાભાવ કે અસુખના ભાવો હશે. મોટા ભાગે એવું ના પણ હોય અને અમુક કિસ્સામાં આવા પ્રચ્છન્ન ભાવોનો પ્રભાવ પણ હોઈ શકે, પરંતુ મુદ્દો એવો નથી. આપણે જે જોઈએ છીએ તેમાં સંઘર્ષ કરતા માણસને કે કોઈક સિદ્ધિ તરફ જતી વ્યક્તિને આપણે ક્યારેય સદ્ભાવથી જોઈ શકતા નથી. એ સર્વસામાન્ય હકીકત છે.
આપણી આસપાસ જોઈએ તો ઘણા બધા માણસો જેને આપણે રોજિંદુ જીવન કહીએ છીએ એનાથી થોડુંક અલગ અને મૌલિક જીવન જીવતા જોવા મળે છે. આવી વ્યક્તિઓ સામાન્યતઃ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કે કોઈનાય ઉપકારમાં આવ્યા વગર સ્વબળે કે સ્વમેળે પોતાનો શોખ કે પોતાની લગન અથવા ધૂન માટે વ્યસ્ત રહેતી હોય છે. જેમ કે કોઈ ગૃહિણી પોતાના રોજિંદા ઘરકામ સિવાય થોડુંક વૈજ્ઞાનિક રીતે કે શાસ્ત્રીય રીતે રસોઈકળા બાબતે મથામણ કરતી હોય, તો તેની આજુબાજુ અથવા પરિચિતો શરૂઆતમાં તેની આ બાબતને સામાન્ય ગણશે. ઘણા એવું પણ કહેશે કે વસ્તુઓનો નકામો બગાડ કરે છે. કોઈક વળી એવું પણ કહે કે રસોઈ જેવી બાબતમાં વળી શું અખતરા કરવાના? બધી સ્ત્રીઓને રસોઈકળા તો આવડતી જ હોય ને? એમાં વળી શું મોર ટાંકવાના હોય? એક છેડે એવા પણ માણસો હોય, જે આ બાબતને તદ્દન નકારાત્મક રીતે પણ મૂલવતા હોય, ‘અરે ભાઈ મૂકને કડાકૂટ, જેમ ચાલતું હોય એમ ચાલવા દેને.’
આમ, વિવિધ પ્રતિભાવો હોવા છતાં જે વ્યક્તિને પોતાની પ્રવૃત્તિમાં દિલથી રસ છે એવા માણસો કોઈની પરવા કરતા નથી કે સારા-નરસા ઉદ્ગારો થકી અટકતા નથી. પોતે જે શોખ કે પ્રવૃત્તિમાં મનથી લગાવ ધરાવે છે એની પરિપૂર્તિ માટે એ સતત મંડ્યા રહેશે. તેમના પુરુષાર્થમાં સાતત્યનું લક્ષણ એ ચાલકબળ હોય છે. એમાં અટકવાનું ભયસ્થાન હોતું નથી. માણસમાત્ર તેની મનગમતી પ્રવૃત્તિમાંથી નિજાનંદ તો સામાન્ય રીતે મેળવી લેતો હોય છે. એ સિવાય જો એમાંથી આજીવિકા માટેનો પ્રશ્ન કે નાણાકીય લાભ મળતો થાય તો એની સાર્થકતા વધી જાય છે. માણસ વધારે સજ્જતાથી અને પ્રોફેશનલ સ્ટાઇલથી એમાં લાગી જાય છે. આ બધું હોવા છતાં એને એક બાબતની સતત તલાશ છે અને એ કોઈકના સદ્ભાવ માટેની હોય છે.
મનુષ્યમાત્રની મૂળભૂત લાગણી એવી હોય છે કે એના પ્રયત્નોને કોઈક દાદ આપે. એને એ બાબતે સધિયારો મેળવવવાની પણ તમન્ના હોય છે બહારથી મક્કમ કે મજબૂત લાગતી વ્યક્તિને પણ કોઈકના કોમળ સદ્ભાવની ઝંખના હોય છે અને એ માટે એ ક્યારેક ખુલ્લા બનીને કે ક્યારેક ઠાવકાઈથી પણ પોતાની ઇચ્છા પ્રગટ કર્યા વગર રહી શકતી નથી. આપણું કામ સામાન્ય હોય કે અન્યના જીવન ઉપર એની કોઈ અસર ના પાડવાની હોય તો પણ વ્યક્તિમાત્ર આવી અપેક્ષામાં જીવતી હોય છે. અને આવું હોવું એ માણસમાત્ર માટે સ્વાભાવિક ગણી શકાય.
સામા પક્ષે માણસોના મનમાં એવું મક્કમપણે ગોઠવાયેલું હોય છે કે આપણે કારણ વગર શું કામ કોઈકનાં વખાણ કરવાં? અલબત્ત, ઘણી બધી વ્યક્તિઓ કે ઘણા બધા માણસોની ઘણી બધી સારી બાબતો વિશે આપણું જ્ઞાન ખૂબ જ હોય છ, પરંતુ આપણે એ વ્યક્તિને આપણી લાગણીઓ કળવા દેતા નથી. એ હકીકત છે કે, જો એમા ંકોઈક નકારાત્મક કે નકામું હોય તો આપણે તરત જ જાણે-અજાણે પણ અભિવ્યક્ત કરી દેતા હોઈએ છીએ. માણસની મર્યાદા કે દુર્ગુણ કે નિષ્ફળતા વિશે પ્રગટ થવાનું જાણે સાહજિક છે, પરંતુ તેને ગમતી વાત કરવાનું દુષ્કર હોય છે. એમાં પણ વ્યક્તિ જેટલી અંગત એટલા આપણે વધારે કંજૂસ. આપણી નજીકની વ્યક્તિ, સગા-સંબંધી કે મિત્રને દાદ આપવામાં તો આપણે લગભગ નિષ્ઠુર હોઈએ છીએ અને ક્યારેક તો જાણી-બૂજીને આપણે ઠાવકાઈનું પ્રદર્શન કરતા રહીએ છીએ.
આપણી આવી વ્યાવહારિકતાને સદ્ભાવની લગામથી થોડીક નિયંત્રિત કરીએ તો ઘણા બધા માનવીય સંબંધો અનાયાસ જ હૂંફાળા બની જાય. આમાં થોડોક અભિગમ બદલવાની જરૂર છે, થોડીક ઉદારતા રાખવાની આવશ્યકતા છે અને એમાં કશું ગુમાવવાનું હોતું નથી. ઊલટાનો આવો પ્રયાસ કોઈકના માટે પ્રેરણાનું પરિબળ બની જતો હોય છે. ધૂમકેતુએ એક વાર્તામાં મર્મસ્પર્શી વાત કરી છે.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.