લોકસભા ચૂંટણી પછી બિહાર સરકાર ભાંગી પડશેઃ અમિત શાહ

પટનાઃ નવાદામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી બાદ બિહારમાં મહાગઠબંધનની સરકાર તૂટી જશે, ભાજપ સરકાર બનાવશે. જ્યારે અમારી સરકાર બનશે ત્યારે અમે અસામાજિક તત્વોને ઉંધા લટકાવીને સીધા કરવાનું કામ કરીશું. અમે વોટ બેંકની રાજનીતિ નથી કરતા. અમારી સરકારમાં રમખાણો થતા નથી. નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા બંધ રહેશે. અમિત શાહે નવાદાના હિસુઆમાં સમ્રાટ અશોક જયંતિના કાર્યક્રમમાં 21 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું મારે સાસારામ જવાનું હતું, ત્યાં સમ્રાટ અશોકની જયંતી પર એક કાર્યક્રમ થવાનો હતો, પરંતુ કમનસીબે ત્યાં લોકોની હત્યા થઈ રહી છે. ગોળીબાર થઈ રહ્યો છે. એટલા માટે હું ત્યાં ન જઈ શક્યો, હું અહીંથી ત્યાંના લોકોની માફી માગુ છું. આગામી મુલાકાતમાં હું ચોક્કસપણે સાસારામમાં બેઠક યોજીશ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બિહારમાં જલ્દી શાંતિ સ્થપાય. નીતિશ બાબુ વડાપ્રધાન બનવા માગે છે, તેજસ્વી મુખ્યમંત્રી બનવા માગે છે. બિહારની જનતા તેમની વચ્ચે કચડાઈ રહી છે, પરંતુ દેશની જનતાએ નક્કી કર્યું છે કે તેઓ મોદીને ત્રીજી વખત પણ વડાપ્રધાન બનાવશે. એટલા માટે લાલુજી, ભૂલી જાઓ કે નીતીશ કુમાર તમારા પુત્રને મુખ્યમંત્રી બનાવશે. અમિત શાહે કહ્યું કે, લાલુના પુત્રએ નીતીશને સાપ, પલટુરામ અને કાચીંડો પણ કહ્યો, પરંતુ નીતિશબાબુ વડાપ્રધાન બનવા માટે તેમની સાથે ગયા. વધુમાં અમિત શાહે કહ્યું હું બિહારની જનતા અને લાલુજીને સ્પષ્ટપણે કહેવા માગુ છું કે ચૂંટણી પરિણામો પછી પણ નિતીશ કુમાર માટે ભાજપના દરવાજા બંધ રહેશે.