લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય

ઉત્તર પ્રદેશ અને બિહારની લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. બે લોકસભા બેઠક જીતતાં સમાજવાદી પાર્ટી – બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન સફળ થયું હતું અને કાર્યકરોએ બુઆ (માયાવતી)-ભતીજા (અખિલેશ સિંહ યાદવ) ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ)

લખનૌઃ ઉત્તર પ્રદેશ અને બિહારની લોકસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને કારમી હાર સહન કરવી પડી હતી. ઉત્તર પ્રદેશની બે બેઠકો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ગોરખપુર) અને નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય (ફૂલપુર)ના મતવિસ્તારની જ હતી. આ બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. બિહારની અરેરિયા લોકસભા બેઠક પર પણ ભાજપનો પરાજય થયો હતો. આ બેઠક રાષ્ટ્રીય જનતા દળે જાળવી હતી. આ પેટાચૂંટણીને 2019ની લોકસભાની ચૂંટણીના રિહર્સલ તરીકે જોવાઈ રહી હતી.

ઉત્તર પ્રદેશમાં ગોરખપુર લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટીના પ્રવીણ નિશાદ 21,916 મતે જીત્યા હતા. 1989થી ભાજપનો ગઢ ગણાતી યોગીની ગોરખપુર બેઠક પ્રથમ વાર ભાજપે ગુમાવી હતી. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બનતાં આ બેઠક ખાલી પડી હતી.

ઉત્તર પ્રદેશમાં ફૂલપુર લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટીના નાગેન્દ્ર પ્રતાપ પટેલ 59,460 મતથી વિજેતા થયા હતા. કેશવપ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી બનતાં આ બેઠક ખાલી પડી હતી.

આમ બે લોકસભા બેઠક જીતતાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી – બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન સફળ થયું હતું અને કાર્યકરોએ બુઆ (માયાવતી)-ભતીજા (અખિલેશ સિંહ યાદવ) ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
દરમિયાન બિહારની અરેરિયા લોકસભા બેઠક પર આરજેડીના સરફરાઝ આલમે 61,988 મતથી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર ભાજપના પ્રદીપકુમાર સિંહનો પરાજય થયો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ પરિણામ ભાજપ માટે બોધપાઠ છે. અખિલેશ યાદવે જણાવ્યું કે ભાજપના ‘બુરે દિન’ શરૂ થઈ ગયા છે.