લોકસભાની ચૂંટણી બનાસકાંઠાથી લડવાની ઇચ્છા વ્યક્ત કરતા પાટણના સાંસદ લીલાધર વાઘેલા

પાટણઃ લોકસભાની આગામી ચૂંટણી 2019માં યોજાશે તે અગાઉ ભાજપમાં ટીકીટના કાવાદાવા શરૂ થયા છે. પાટણના 83 વર્ષના સાંસદ લીલાધર વાઘેલાએ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરીને બનાસકાંઠાની બેઠક ખાલી કરવા માગણી કરી છે. અગાઉ બે વાર લીલાધર વાઘેલા ડીસા વિધાનસભા બેઠક માટે ટીકીટની માગણી કરી ચૂકયા છે. હવે તેમણે પાટણના બદલે બનાસકાંઠાથી લોકસભાની આગામી ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી છે.
લીલાધર વાઘેલાએ જણાવ્યું હતું કે 2014માં હરિભાઈ ચૌધરી પાટણમાં હારી જાય તેવો માહોલ હતો. તેમને બચાવવા હું પાટણથી ચૂંટણી લડયો હતો. તેમના ભલા માટે મેં બનાસકાંઠાની બેઠક છોડી હતી. આ વખતે હું બનાસકાંઠામાંથી જ ચૂંટણી લડીશ. ટીકીટ પર મારો હક છે. હું પત્રમાં મારી આ રજૂઆત કરીશ. લીલાઘર વાધેલાના આ નિવેદનથી ભાજપમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.