લોકસભાની ચૂંટણીમાં મોદી વિરુદ્ધ પવારની ચાણક્યનીતિ

0
642

લોકસભાની આગામી ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બન્ને કેન્દ્ર બની રહેવાનાં હોવાનો અણસાર અત્યારથી મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) થકી કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં ધાડ પાડવામાં આવી હતી, પણ આ વખતની ચૂંટણીમાં સત્તાધારી મોરચામાં જ નહિ, ભાજપમાં જ વિપક્ષો ધાડ પાડે એવું લાગી રહ્યું છે. વર્તમાન સત્તામોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર તો સ્વાભાવિક રીતે જ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી રહેશે. સામે પક્ષે અત્યારના 16 વિપક્ષોના મહાગઠબંધનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર અને તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી નેતા તરીકે ઊપસે એવું લાગે છે. જોકે વિપક્ષોની એકતામાં ભાજપ થકી સુરંગો મુકાવાની શક્યતા જોતાં વડા પ્રધાનપદના ઉમેદવાર ચૂંટણી પછી જ નક્કી કરવા બાબતે સત્તાકાંક્ષી વિપક્ષો સહમત જણાય છે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અંગેના એટ્રોસિટી કાયદાને સર્વોચ્ચ અદાલતના તાજા ચુકાદા થકી હળવો કરાયાના વિરોધમાં ઊઠેલા લોકજુવાળને જોતાં કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની અસરને નાબૂદ કરવા માટે બંધારણીય સુધારો કરવાનું સ્વીકારવું પડ્યું છે. દક્ષિણના દ્રમુકના 50 વર્ષથી પ્રમુખ રહેલા અને પાંચ વાર તામિલનાડુના મુખ્યમંત્રી થયેલા 94 વર્ષના કરુણાનિધિના હમણાં નિધનને પગલે તેમના પુત્ર એમ. કે. સ્ટાલિનને વિપક્ષે રહીને સહાનુભૂતિનો લાભ મળે એવા પ્રયાસ થઈ રહ્યા છે.
શિવાજી મહારાજના વંશજ
દલિત અને આદિવાસી મતબેન્કને ધ્યાને રાખીને બંધારણીય સુધારો કરાતો હોય તો મરાઠા, પટેલ, જાટ ઉપરાંત મુસ્લિમ અને ખ્રિસ્તી અનામત માટે બંધારણ સુધારો કેમ નહિ, એવા તર્ક સાથે સંબંધિતોએ મહારાષ્ટ્રથી આંદોલનને દિલ્હીના જંતરમંતર સુધી લઈ જવાનું નક્કી કર્યું છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ ઉદયસિંહ રાજે ભોંસલે પણ દિલ્હીમાં મરાઠા અનામત મોરચામાં સામેલ થવાના છે. મહારાષ્ટ્ર ભાજપમાં વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચનોની લહાણી કરે છે, પણ એમના જ પક્ષના મુખ્યમંત્રીપદના આકાંક્ષી બે બટકબોલા નેતા નીતિન ગડકરી અને એકનાથ ખડસે ભાજપની નેતાગીરીને ભીંસમાં મૂકે તેવાં નિવેદનો કરે છે. 1942ની હિન્દ છોડો ચળવળને તાજી કરતાં 9 ઓગસ્ટની આસપાસ દેશભરમાં આદિવાસીઓ અને બીજા આંદોલનકારીઓ પણ કેન્દ્ર અને રાજ્યોની સરકારોને ભીંસમાં લેવાનાં આયોજનો પણ કરી બેઠા છે.
બંધારણ સુધારા પહેલાંનાં ગાજર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે સત્તામાં આવ્યા ત્યારથી મરાઠા સમાજને 16% અનામત આપીશું, એવું ગાજર લટકાવીને રાખ્યું છે. અગાઉની કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકારે તો મરાઠાઓને 16% અને મુસ્લિમોને 5% અનામત આપી જ હતી, પણ અદાલતે એને રદ કરી દીધી હતી. હજી ફડણવીસ સરકાર પછાત આયોગનો સાનુકૂળ અહેવાલ મેળવ્યા સિવાય જ છાસવારે મરાઠાઓને 16% અનામત આપવાની વાતો કરતાં નવી વિધાનસભાની ચૂંટણી આવવાના વખત લગી મામલાને લઈ આવી છે. મુસ્લિમોને ધાર્મિક આધારે અનામત માટે બંધારણમાં જોગવાઈ નથી, તો મરાઠાઓને કયા આધારે બંધારણ બદલ્યા સિવાય કે બદલીને અનામત આપવાના છે, એનો ફોડ તો પડાતો નથી. મે, 2014માં લોકસભાની ચૂંટણી હતી અને ઓક્ટોબર, 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઈ હતી. લોકસભાની ચૂંટણી વહેલી આવે એનાં એંધાણ છે ત્યારે નવેમ્બર 2018 સુધીની મુદત માગીને ફરીને એક વાર મરાઠા સમાજને માટે અનામત કે 72,000 સરકારી નોકરીઓની મહાભરતી ઠેબે ચડાવવાનો ખેલ સ્પષ્ટ છે. કારણ ચૂંટણીના ત્રણ મહિના પહેલાં તો આચારસંહિતા અમલી થાય અને નીતિવિષયક નિર્ણયો જાહેર ન થઈ શકે.
શરદ પવાર ફરતે વિપક્ષી એકતા શક્ય
મહારાષ્ટ્રના મરાઠા નેતા અને અનેક વાર મુખ્યમંત્રી તેમ જ કેન્દ્રીય મંત્રી રહેલા શરદ પવાર એકાએક વિપક્ષી એકતા માટે સક્રિય થઈ ગયા છે. પવાર બધા વિપક્ષી નેતાઓને એકસાથે લાવી શકે છે. ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા વડા પ્રધાન મોદીને માત આપવા માટે શરદરાવનો પાસો કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ ફેંક્યો છે. કોંગ્રેસ વડા પ્રધાનપદની સ્પર્ધામાં નથી. વડા પ્રધાન બનવા માટે જીવનનો છેલ્લો દાવ ખેલીને પવાર પોતાની રાજકીય વારસપુત્રી સુપ્રિયા સૂળે માટે મજબૂત રાજકીય પાયાભરણી કરવાના પક્ષધર છે. રાહુલની નેતાગીરીની છોછ છે એવા વિપક્ષી મુખ્યમંત્રીઓ કે અન્યોને માટે પવાર ચુંબકત્વવાળા નેતા છે. અત્યારે 16 પક્ષો વિપક્ષના મોરચામાં છે. બાકીના ધૂમકેતુઓને પવાર પોતાના વલયચક્રમાં ખેંચી શકે છે.
ભગવી બ્રિગેડમાં ગૂંગળામણ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહેલા અજિત પવારને કેન્દ્રીય તપાસ એજન્સીઓ આંટીમાં લઈ શકે છે. અગાઉ બીજા પૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભુજબળે લાંબો સમય જેલવાસ ભોગવવો પડ્યો છે. જોકે અગાઉ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ધાડ પાડીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપને મજબૂત કરાયો હતો.
હવે ભાજપના મિત્રપક્ષ શિવસેના અને બીજા કેટલાક ભાજપી નેતાઓનો ભગવી બ્રિગેડમાં ગૂંગળામણ અનુભવી રહ્યાનું બોલકું છે. પવારની રાજ્ય સરકારમાં અગાઉ મંત્રી રહેલા રામદાસ આઠવલે આજે કેન્દ્રમાં રાજ્યમંત્રી છે, પણ લોકજનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાનની જેમ જ એ પણ જિસકે તડ મેં લડ્ડુ ઉસકે તડ મેં હમની ફિલસૂફીમાં માને છે. કેટલાકની ઘરવાપસી પણ થઈ શકે.
કોંગ્રેસ અને આંબેડકરની યુતિ
મહારાષ્ટ્રમાં દલિત-મુસ્લિમ અને ડાબેરીઓમાં પ્રભાવ પાડી રહેલા ભારિપ બહુજન મહાસંઘના વડા અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર એડવોકેટ પ્રકાશ ઉર્ફે બાળાસાહેબ આંબેડકર કોંગ્રેસ સાથે મંત્રણાઓ કરી રહ્યા છે. મહારાષ્ટ્રની કુલ 48 બેઠકોમાંથી 12 બેઠકો તેમણે મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જુન ખડગે પાસે માગી છે. બીજી બાજુ, પવાર બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં સુપ્રીમો માયાવતીને મળ્યા છે. રાષ્ટ્રવાદી અને બસપાની યુતિ થાય એવું સ્પષ્ટ છે. જોકે અંતે તો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચે સમજૂતી થતાં પૂંછડિયા પક્ષો ઓછી બેઠકો સ્વીકારીને પણ મહાગઠબંધનમાં આવી જવાના. ઉત્તર પ્રદેશમાં 80 બેઠકોમાંથી 74 મેળવવાનો દાવો ભાજપ કરે છે અને પશ્ચિમ બંગાળની 42માંથી 22 મેળવવાનો સંકલ્પ છે. જોકે ઉત્તર પ્રદેશમાં અખિલેશની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બસપા સાથે યુતિમાં રાહુલની કોંગ્રેસ અનુક્રમે 30, 30 અને 20 બેઠકો લડે એવી વેતરણ છે.
દેવગોવડાનાં ઉમેદવાર મમતા
બીજા મિત્રપક્ષોને પણ સાથે લઈને થોડીક બાંધછોડ સાથે વિપક્ષ આગળ વધશે. ઓક્ટોબર મહિના સુધી જેડી(યુ)-કોંગ્રેસની કર્ણાટક સરકારને ગબડાવવાની ભાજપી યોજના હજી બર આવે તેવું લાગતું નથી. ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગોવડા તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજીને વડાં પ્રધાન જોવા માગે છે, પણ ચૂંટણી પછી જ વડા પ્રધાનના નામનો ફેંસલો કરવાની બાબતમાં બધા વિપક્ષો સંમત છે. તમિળનાડુમાં વડા પ્રધાન મોદીની દત્તક પાર્ટી અન્નાદ્રમુકને બદલે હમણાં જ જેમનું નિધન થયું તે કરુણાનિધિની પાર્ટી દ્રમુક ગજું કરે એવું લાગે છે એટલે દ્રમુક અત્યારે તો વિપક્ષી મોરચામાં રહેવાની શક્યતા ખરી. તેલંગણના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ ભાજપ સાથે રમે, પણ આંધ્રના મુખ્યમંત્રી અને ટીડીપીના સુપ્રીમો નર ચંદ્રબાબુ નાયડુ તો પવારના મોરચામાં રહેશે. લોકસભાની ચૂંટણી આવતાં લગી તો સત્તા મોરચા અને વિપક્ષી મોરચામાં વાડ ઠેકી જનારાઓ સ્પષ્ટ થઈ જશે. જોકે આ વખતની ચૂંટણી ખરાખરીનો જંગ બની રહેવાની છે. કોણ ક્યારે કોની વહેલમાં કયા લાભ ખાટવાની ગણતરીએ બેસશે, એ કહેવું જરા વહેલું ગણાશે.
લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.